પાણીની પાઈપલાઈનમાં દારૂનો અડ્ડો:અંકલેશ્વરમાં બુટલેગરે જમીનમાં પાઈપ લગાવી માટલામાં સંતાડ્યો વિદેશી દારૂ, એકપછી એક બોટલો બહાર નીકળતા પોલીસ પણ ચોંકી

અંકલેશ્વર2 મહિનો પહેલા

અંકલેશ્વરના માંડવા ગામે ખોદકામ કરી રહેલા ઈસમો શ્રમિકો નથી પરંતુ અંકલેશ્વર શહેર પોલીસના જવાનો છે. જી હા, અંકલેશ્વરના માંડવા ગામે રોડ ફળિયામાં રહેતા કુખ્યાત બુટલેગરે જમીનમાં પાઇપલાઇન લગાવી નવો કીમિયો અજમાવી સંતાડેલો 45 હજારથી વધુનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.

જમીનમાં પાઇપલાઇન બિછાવી વિદેશી દારૂ સંતાડ્યો
રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગરો પણ હાઈટેક થઈ પોલીસ પકડથી પોતે અને દારૂને બચાવવા હવે અલગ અલગ ઇનોવેશન કીમિયા અજમાવતા થઈ ગયા છે. પણ પોલીસ સામે તેઓના આ નવા તુક્કાઓ ફેલ સાબિત થઈ રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માંડવા ગામના સ્થાનિકોએ ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાએ તેના ઘર પાસે જમીનમાં પાઇપલાઇન બિછાવી અને માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા.

પોલીસે રૂ.45 હજાર ઉપરાંતનો જથ્થો ઝડપી પાડ્યો
આ બુટલેગરે એવો કીમિયો અજમાવ્યો હતો કે તેણે જમીનમાં બિછાવેલી પાઈપલાઈન અને ખાડાઓમાં માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. પોલીસે પાવડા વડે ખોદકામ કરતા પાઈપલાઈન અને ખાડામાં રહેલા માટલામાંથી વિદેશી દારૂની 459 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 45 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...