અંકલેશ્વરના સજોદ આંબેડકર નગરનો 10 વર્ષીય બાળક અને પાડોશી જોડે બાઈક સાથે કેનાલમાં ડૂબી જતા મોત થયું છે. ગત રોજ રાત્રીના 7 વાગ્યે ઘરેથી હજાત રોડ પર આવેલા રંગા મામાની ડેરીએ દર્શન કરવાનું કહી નીકળ્યા હતા. સજોદથી હજાત ગામ તરફ જતા માર્ગ પર આવતી કેનાલના નાળા પાસે બંને બાઈક સાથે કેનાલમાં પટકાયા હતા. મૃતદેહ 3થી 4 કિલોમીટર દૂર પાલિકા ફાયરની ટીમે શોધી કાઢ્યા હતા.
કોઈ કારણોસર બંને નહેરના નાળામાં પટકાયા
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલા આંબેડકર નગર ખાતે રહેતા 35 વર્ષીય હરેશ મનહરભાઈ જાદવ તેમની પાડોશમાં રહેતા 10 વર્ષીય માનવ સોલંકી સાથે ગુરુવારના સાંજે 7 કલાકે અડોલ-હજાત ગામ તરફ આવેલા રંગા મામાની ડેરી પર દર્શન કરવાનું કહી નીકળ્યા હતા. ત્યારબાદ બંને હજાત રોડ પર આવેલા ઉકાઈ જમણા કાંઠાની નહેરના નાળાંમાં કોઈ કારણોસર પટકાયા હતાં. બંને નાળામાં પડતા પાણીમાં ડૂબી ગયા હતાં. જોકે બંને સમય થઈ જતા પણ પરત ઘરે નહિ આવતા આ ઘટનાથી અજાણ પરિવારે બંનેની શોધખોળ શરૂ કરી હતી.
બીજા દિવસે સવારે નહેર પાસેથી બાઈક મળી આવ્યું
સવારે નહેર નજીક બાઈક પડી હોવાની વિગત મળતા બંનેના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલને થતા તેઓ તેમજ હરિપુરા ગામના સરપંચ સંકેત પટેલ, અને નવનીત આહીર સહિત આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર પાલિકા ફાયર સ્ટેશન પર જાણ કરતા ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં હજાત રોડ નજીક નાળા નજીકથી બાઈક મળી આવી હતી.
સજોદ ગામ ખાતે માતમનો માહોલ છવાઈ ગયો
જે બાદ બંનેની શોધખોળ નહેરમાં શરુ કરતા પ્રથમ હાંસોટના ઉતારાજ ગામ પાસેથી 35 વર્ષીય હરેશ મનહર જાદવનો મૃતદેહ ઘટનાસ્થળથી 5 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. જ્યારે 10 વર્ષીય માનવ સોલંકીનો મૃતદેહ 3 કિમી દૂર રહેલા ધંતુરીયા ગામ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે બંનેના મૃતદેહને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ઘટનાના પગલે સજોદના આંબેડકર નગરમાં શોકનો માહોલ છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.