વહિવટી તંત્ર એલર્ટ:અંકલેશ્વરમાં 24 કલાકમાં 2.78 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા, SDRF ટીમ સ્ટેન્ડ બાય

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • 40 જવાનોની એક SDRFની ટીમ સ્ટેન્ડ બાય કરાય
  • સ્કૂલના બાળકોને ભારે વરસાદના કારણે રજા આપી દેવામાં આવી

ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના કારણે ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર
અંકલેશ્વર શહેરમાં 24 કલાકમાં 2.78 ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી છે. જ્યારે આમલાખાડી ઓવરફ્લો થતા પીરામણ ગામથી વાલિયા ચોકડીને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા ત્યાંથી પણ અવર-જવર કરતા વાહન ચાલકોને અસર થઈ છે.

પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી
અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની બૂમ પડી હતી, જેમાં તડ ફળિયા, સંજયનગર જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે આ વિસ્તારના રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દિવા રોડ પર આવેલા જલારામ નગરમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આજ વિસ્તારમાં આવેલી એસવીએમ સ્કૂલના બાળકોને ભારે વરસાદના કારણે રજા આપી દેવામાં આવી છે.

40 જવાનોની એક SDRFની ટીમ સ્ટેન્ડ બાય કરાય
આ અંગે અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, અંકલેશ્વર વરસી રહેલા વરસાદના કારણે 13 ગામોને અસર થવાની સંભાવના હોવાથી તાલુકા વહીવટી તંત્ર ખડેપગે રહીને આશ્રય સ્થાનથી લઈને જમવા સુધીની કામગીરી કરાઈ છે. ત્યારે અંકલેશ્વરમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા 40 જવાનોની એક SDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...