અંકલેશ્વરના અંદાડા ગામે પતિ-પત્નીના ઝઘડામાં પાડોશમાં રહેતો ઈસમ છોડવા જતાં પતિ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા પતિએ ઘરમાંથી તલવાર લાવી પાડોશી ઉપર હુમલો કરી લાકડીથી માર મારતાં પાડોશી ગંભીર રીતે ઘવાયો હતો. બનાવ મામલે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે અટ્રોસીટી એક્ટ મુજબ હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધીને હુમલાખોર પતિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ-પત્નીના ઝઘડામાં પાડોશી હણાયો
અંકલેશ્વરના અંદાડા ગામ સ્થિત સ્વાગત સોસાયટીમાં નિલેશ મકવાણા રહે છે. તેઓ પોતાના ધરે હતાં. તે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતા સંદીપ પ્રજાપતિએ કોઈ કારણોસર તેમની પત્નીને માર મારી ઘરની બહાર કાઢી મૂક્યા હતાં. આ બાબતે તેમના પાડોશી નિલેશ મકવાણાએ મહિલાને પતિના મારથી છોડાવવા માટે ગયા હતાં. નિલેશ મકવાણાએ સંદીપ પ્રજાપતિને પકડી રાખી તેના પતિથી પત્નીને મારથી બચાવ્યા હતાં. આ બાબતનું સંદીપને લાગી આવતાં તેણે પોતાના ઘરમાંથી તલવાર લાવી નિલેશને ગળાના ભાગે મારી દીધી હતી. જેથી નિલેશ નીચે પડતાં જ તેને લાકડી વડે પણ માર મારીને લોહી લુહાણ કરી દીધો હતો.
હત્યાની કોશિષનો ગુનો દાખલ
સંદીપે આ મામલે નિલેશને અમારી વચ્ચે હવે પડીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સંદીપે તલવારેથી કરેલા હુમલામાં નિલેશને ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઘટનામાં ઘાયલ નિલેશ મકવાણાએ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંદીપ પ્રજાપતિ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધીને તપાસ આરંભી હતી. પોલીસે ગણતરીના સમયમાં હુમલાખોર સંદીપ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.