અંકલેશ્વરમાં ચારીત્યની શંકાએ હત્યા:ધંતુરીયામાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની નિર્મમ હત્યા કરી ફરાર; પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

અંકલેશ્વર18 દિવસ પહેલા

અંકલેશ્વરના ધંતુરીયા ગામે ચારિત્રની શંકામાં પતિએ પત્નીની કુહાડી વડે નિર્મમ હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક વખતથી પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં પત્નીની હત્યા કરનાર શંકાશીલ પતિની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

કુહાડીના ઘા ના કારણે મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું
અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે આવેલા ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસમાં રહેતી 35 વર્ષીય પરિણિત મહિલા જ્યોત્સના રણજીત વસાવા ગત રાત્રીના સમયે પોતાના ઘરે હતા. તે દરમિયાન તેના પતિ રણજીત બાલુભાઈ વસાવાએ તેના ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન એકાએક ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ જ્યોત્સના ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્યોત્સનાને ગળાના ભાગે તેમજ મોઢાના ભાગે કુહાડીના ઘા ઝીંક્તા ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્નીનું ઢીમઢાળી હત્યારો પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો
બનાવ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા પી.આઈ.ભાવિન ચૌધરી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મૃતક જ્યોત્સના વસાવાના મૃતદેહનું પંચકેશ કરી પી.એમ. અર્થે ખસેડાયો હતો. આ ઘટના અંગે મૃતકના સ્વજન અનિલ વસાવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રણજીત બાલુ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે. ત્યારબાદ ગણતરીના સમયમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા શંકાશીલ પતિ રણજીત વસાવાને પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...