સમસ્યા:અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે ડમ્પરનું ટાયર ફાટયાં બાદ ભારે ટ્રાફિકજામ

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે ડમ્પરનું ટાયર ફાટતાં ટ્રાફિકજામ થયો. - Divya Bhaskar
અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે ડમ્પરનું ટાયર ફાટતાં ટ્રાફિકજામ થયો.
  • ટાયર ફાટી જતાં ડ્રાયવર ડમ્પર મૂકીને ચાલ્યો જતાં સમસ્યા સર્જાઇ

અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં ટાયર ફાટી જતાં રસ્તાની વચ્ચે પડી રહેલું ડમ્પર અન્ય વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું હતું. ડમ્પરના કારણે 16 કલાકથી વધારે સમય સુધી વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડયો હતો.

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા નજીક મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતાં ડમ્પરનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટી ગયાં બાદ ડ્રાયવર ડમ્પરને રસ્તા પર જ મુકીને ચાલ્યો ગયો હતો. કલાકો સુધી ડમ્પર રસ્તા પર પડી રહેતાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી. આ મુખ્યમાર્ગ હોવાના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. ડમ્પર વચ્ચે હોવાથી વાહનચાલકોને પસાર થવામાં તકલીફ પડતી હતી. આટલું ઓછું હોય તેમ લોકોએ વાહનો પણ ડમ્પરની નજીકમાં પાર્ક કરી દીધાં હતાં. અંકલેશ્વર શહેરમાં દિવસ– રાત ભારદારી વાહનોની અવરજવર રહેતી હોય છે.

રસ્તાઓ પર દબાણો તથા આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે. અગાઉ શહેરમાં આવતાં ભારદારી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો પણ અત્યારે ભારદારી વાહનો બિન્દાસ્ત રીતે અવરજવર કરી રહયાં છે. ભારદારી વાહનો ટ્રાફિક જામ તથા અકસ્માતો નોંતરી રહયાં હોવાથી આવા વાહનોને શહેરમાં આવતાં રોકવામાં આવે તેવી લોકો માગ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...