ટ્રેનમાંથી મળી આવી દોઢ વર્ષની બાળકી:અંકલેશ્વરમાં લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાં બાળકી કોચના કોરિડોરમાં સૂતેલી હાલતમાં મળી, રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર3 દિવસ પહેલા
  • આ બાળકીના વાલી વારસો ભરૂચ રેલ્વે પોલીસનો સંપર્ક કરવો
  • રેલ્વે પોલીસે જાણવાજોગ ફરીયાદ નોંધી

મુંબઈ તરફ જતી લોકશક્તિ ટ્રેનમાં અંકલેશ્વર બાદ ડી-6 નંબરના કોચના કોરિડોરમાંથી એક દોઢ વર્ષીય બાળકી સુતેલી હાલતમાં મળી આવી હતી. આ સમયે ટ્રેનમાં પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ કર્મીઓએ ટ્રેનમાં તેનાં વાલીવારસો શોધતા તેઓ મળી નહિ આવતા પોલીસે ભરૂચ રેલ્વે પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધી બાળકીને ચાઈલ્ડ લાઈન વિભાગમાં સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દોઢ વર્ષની બાળકી કોચમાં સુતેલી મળી આવી હતી
હિંમતનગરમાં ગુરુવારના રોજ નવજાત બાળકીને જીવતી માટીમાં દાટી દેવાની ઘટના સામે આવી હતી. ત્યારે અંકલેશ્વર શહેરમાં 6 ઓગષ્ટના રોજ મુંબઈ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના ડી-6ના કોચના કોરિડોરમાં માત્ર દોઢ વર્ષની બાળકીને સુતેલી હાલતમાં મૂકીને જતું રહ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. આ બિનવારસી બાળકીની જાણ પેસેન્જરોએ રેલ્વે પોલીસ વિભાગમાં કરી હતી. ત્યાર બાદ ટ્રેનમાં પેટ્રોલીંગ કરતા પોલીસ જવાનો તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી બાળકીનો કબ્જો મેળવી તેના વાલી વારસોની શોધખોળ આદરી હતી.

બાળકીને ચાઈલ્ડ લાઇન વિભાગમાં સોંપવામાં આવી
આ બિનવારસી બાળકી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ તરત જ રનીંગ ટ્રેનમાં મળી આવી હતી. જેથી આ બનાવ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતો હોય પોલીસે બાળકીના શરીર સ્થિતિનું પંચનામુ કરી પોલીસ જવાનોના નિવેદનો લઈને મેડિકલ સર્ટી સાથે જાણવાજોગ ફરિયાદ નોંધીને બાળકીને સારસંભાળ માટે ચાઈલ્ડ લાઈન વિભાગને સોંપીને તેના વાલી વારસોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. જો કોઈ આ બાળકીના વાલી વારસોને જાણતું હોય તો ભરૂચ રેલ્વે પોલીસ મથકે જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...