અફરાતફરી:પીરામણની પ્રાથમિક શાળા નજીક ગેસ લીકેજથી દોડધામ

અંકલેશ્વર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીરામણ પ્રાથમિક શાળા નજીક ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. - Divya Bhaskar
પીરામણ પ્રાથમિક શાળા નજીક ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી.
  • પાણીની ટાંકી પાસે ​​​​​​​બોટલમાંથી નાઇટ્રોજન ગેસ લીકેજ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા

અંકલેશ્વરમાં એક તરફ બેંકમાં દિલધડક લુંટની ઘટના બની હતી તો બીજી તરફ પીરામણ ગામ પાસે પાણીની ટાંકી પાસે બોટલમાંથી નાઇટ્રોજન ગેસ લીકેજ થયો હતો. ટાંકીની નજીક આવેલી પ્રાથમિક શાળામાંથી 100 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં ડીપીએમસીના લાશ્કરોએ દોડી આવી ગેસ લીકેજ બંધ કરતાં લોકોને હાશકારો થયો હતો. અંકલેશ્વર શહેર ને અડી ને આવેલ પીરામણ ગામમાં પંચાયત ઓફિસની સામે પાણીની ટાંકી આવેલી છે.

આ ટાંકીના રૂમમાં રહેલી નાઇટ્રોજન ગેસની બોટલને કર્મચારીઓ બહાર કાઢી રહયાં હતાં. તે દરમિયાન એક બોટલમાંથી નાઇટ્રોજન ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતાં કર્મચારીઓ ગભરાય ગયાં હતાં અને લીકેજ થયેલાં બોટલને ટાંકીની પાસે આવેલાં ખુલ્લા મેદાનમાં નાંખી સલામત જગ્યાએ જતાં રહયાં હતાં. પાણીની ટાંકી પાસે જ પ્રાથમિક શાળા આવેલી હોવાથી બાળકોના જીવ પણ જોખમમાં મુકાય ગયાં હતાં.

ઘટના બાદ ફેલાયેલી અફરાતફરી વચ્ચે 100 જેટલાં વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. ડીપીએમસીના લાશ્કરોએ દોડી આવી ગેસ લીકેજ બંધ કર્યું હતું. લગભગ અડધો કલાક સુધી લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. સદનસીબે કોઇને પણ ગેસની અસર થઇ ન હતી. પીરામણ ગામમાં પુરો પાડવામાં આવતાં પાણી પુરવઠામાં નાઇટ્રોજન ગેસ ઉમેરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...