અંકલેશ્વરની કોર્ટમાં છેતરપિંડી કરી એકબીજાના મેળાપીપણામાં ખોટા વેલ્યુએશન ડોક્યુમેન્ટ ઉભા કરનાર 4 વકીલો વિરૂદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. મહિલા સહિત 4 વકીલોએ સ્પેશ્યલ દિવાની મુકદમામાં ફ્રોડ કરી ખોટા દસ્તાવેજોને સાચા તરીકે કોર્ટમાં રજૂ કર્યા હતા.
અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ, ત્રીજા સિનિયર સિવિલ જજની કોર્ટમાં સ્પેશ્યલ દિવાની મુકદમાના કામે અરજી રજૂ કરાઈ હતી. જે અરજીમાં ગેરકાયદે ફ્રોડ કરી એકબીજાની મદદગારીમાં કાવતરું રચાયું હતું. વકીલોએ જેમાં ખોટા વેલ્યુએશન ડોક્યુમેન્ટ ઉભા કરી કોર્ટમાં સાચા તરીકે વકીલો પી.યુ.પરમાર, રીટા ટી. વસાવા, એ.એ. પોખરીયાલ અને એમ.એમ. સૂફી દ્વારા રજૂ કરાયા હતા.
આ અંગે વકીલ મંડળના પ્રમુખે અરજી આપી હતી. કોર્ટે તપાસ કરતા આ ખોટા વેલ્યુએશન ડોક્યુમેન્ટ ઉભા કરી કોર્ટમાં સાચા તરીકે રજૂ કરવા બદલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને ગુનો દાખલ કરવા 3 ન્યાયાધીશોએ આદેશ આપ્યો હતો. જેના આધારે રજિસ્ટ્રાર અઝીઝુર રહેમાન હુસેનમિયા દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ચારેય વકીલો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેની વધુ તપાસ પી.આઈ. વી.એન. રબારી ચલાવી રહ્યાં છે. અંકલેશ્વરના મહિલા સહિત 4 વકીલોએ કોર્ટ સાથે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી કરેલા ફ્રોડથી વકીલ આલમમાં ભારે ચકચાર મચી ગઇ છે. વકીલો દ્વારા જ કરવામાં આવેલી છતરપિંડીના પગલે હાલતો સમગ્ર મામલો ભરૂચ જિલ્લામાં ચર્ચાની એરણે ચઢ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.