અંકલેશ્વર પંથકમાં મોટર સાયકલ અને રીક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત બાદ નુકશાની લેવા બોલાવ્યા અને હુમલો કરીને માર માર્યો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જતા હુમલાખોરોએ ટેમ્પામાં મારક હથિયારો સાથે ધસી આવી કારની તોડફોડ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ ચલાવી રહી છે.
મામલો થાળે પડ્યા બાદ ફરી મારામારી કરી
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી વિરેન્દ્ર પરમારે આક્ષેપ કર્યા છે કે, તેઓ પોતાની પત્ની તથા બાળકોની સાથે રિક્ષામાં પોતાના મોટા ભાઈના ઘરેથી પરત ફરી રહ્યાં હતા. તે વખતે ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વળાંક ઉપર એક મોટર સાયકલ સવાર રોડ ઉપર પડી ગયેલો હોય પોતે રીક્ષા ઉભી રાખી મોટર સાયકલ સવારને મદદ કરતો હતો. તે વખતે જ બાઇક સવારે આવી રીક્ષાને અડફેટમાં લીધી હતી. જે અંગે બોલાચાલી થયા બાદ બાઈક ચાલકે નુકશાની લેવા ઘરે બોલાવ્યા હતાં.
પોલીસે સીસીટીવી ફુટેઝ મેળવીને તપાસ કરી
પરંતુ બાદમાં બાઇક અથડાવનાર શકીલ નામના શખસે ગ્રીન સીટી પાસે ફરિયાદી વિરેન્દ્ર પરમારને વળતર લેવા બોલાવ્યા બાદ તે વાતચીત કરી રહ્યાં હતા. તે સમયે મોઇન નામના ઇસમે માથાના ભાગે લાકડીથી માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વીરેન્દ્રને ઈજાઓ પહોંચતા તેના મિત્રને કોલ કર્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે સમયે પણ ટેમ્પામાં ધસી આવેલા ઇસમોએ કારની તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. જોકે ત્યાર બાદ વીરેન્દ્રને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી એટ્રોસિટી એક્ટ તેમજ મારામારીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.