ક્યારે પુલ ધસી પડે કંઈ નક્કી નહીં:અંકલેશ્વરના ડેહલી ગામ પાસેનો કીમ નદી પરનો પુલ જર્જરીત, જીવના જોખમે વાહન ચાલકો થાય છે પસાર

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયાના ડેહલી ગામ પાસેનો પુલ જર્જરીત બનતા વાહન ચાલકોને ભારે હાલાકી
  • તંત્રને દ્વારા યોગ્ય કામગીરી કરવા સ્થાનિકોની માંગ

અંકલેશ્વર નજીક આવેલા વાલિયાથી વાડી જવાના મુખ્ય માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદી ઉપરનો પુલ બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહિં કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાય જવા પામ્યો છે.

પુલની વચ્ચે ભુવો પડ્યો હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી
અંકલેશ્વર નજીક આવેલા વાલિયાના ડહેલી ગામ પાસેથી પસાર થતી કિમ નદી ઉપર વર્ષો જૂનો પુલ આવેલો છે. વાલિયાથી વાડી ગામ જતા મુખ્ય માર્ગ ઉપર એક માત્ર પુલનો સહારો છે. ચાર વર્ષથી આ પુલની ખસ્તા હાલત થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ પુલ બિસ્માર બનતા ડહેલી ગામના આગેવાનોએ અવાર-નવાર તંત્રમાં રજૂઆતો કરી ચુક્યાં છે. જોકે હાલમાં પડેલા ભારે વરસાદના કારણે પુલ એકદમ જર્જરિત બની જતા પુલ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. પુલની વચ્ચે એક ભુવો પડતા વાહન ચાલકો મહામુસીબતે વાહન પસાર કરી રહ્યાં છે.

માર્ગ મકાન વિભાગ દ્વારા વહેલી તકે કામગીરી કરાય તેવી માગ
વાલિયા અને વાડી વચ્ચેના મુખ્ય માર્ગ પર સેતુ સમાન આ પુલના સમારકામ અંગેની પણ તસ્દી લેવાતી નથી. ડહેલી ગામના ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરવા છતાં ઉદાસીન વલણ અપનાવી રહયું હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહયુ છે. જર્જરિત પુલના કારણે માર્ગ મકાન વિભાગ ભરૂચ દ્વારા ભારે વાહન ચાલકો માટે ચેતવણીનું બોર્ડ લગાવ્યું છે. ત્યારે વહેલી તકે સમારકામ કરવામાં આવે અથવા તો સમાંતર બીજો પુલ બનાવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...