અંકલેશ્વરમાં ટેમ્પો પલ્ટી ખાતા બે ભેંસોના મોત:ક્રુરતા પૂર્વક ગિચોગીચ ભરીને કતલ કરવાના ઇરાદે જતાં હતા; પોલીસે 2 ઇસમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાંસોટના અલવા ગામ પહેલા એક ટેમ્પામાં ગેર કાયદેસર અને ક્રુરતા પૂર્વક ભરીને ભેંસોને કતલ ખાતે લઈ જતો ટેમ્પો પલ્ટી ખાઈ જતાં બે ભેંસોના મોત નીપજ્યા હતાં. બનાવની જાણ હાંસોટ પોલીસને થતા પોલીસના જવાનો દોડી આવીને ક્રુરતા પૂર્વક બાંધેલી ભેંસોને છૂટી કરાવી ટેમ્પો ચાલક અને ક્લીનરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હોવાની માહિતી મળી હતી
હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે સમયે માહિતી મળી હતી કે, હાંસોટથી સાહોલ જવાના માર્ગ પર અલવા ગામ પહેલા રોડની સાઇડ પર એક ટેમ્પો પલ્ટી ખાઈ ગયો છે. જેમાં ક્રુરતા પૂર્વક ગળામાં ફાંસો બાંધીને શ્વાસ રૂંધાય અને ખોરાક વગર બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવાય છે. માહિતી મળતા જ પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ટેમ્પો ચાલક શમીર નિઝામ શેખ અને ક્લીનર શફિક રફીક શેખને ભેંસોના લઈ જવાના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહિ હોવાથી પોલીસે બંનેની અટકાયત કરી હતી.

મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી
પોલીસે ટેમ્પોમાંથી ભેંસો ઉતારી ખુલ્લા ખેતરમાં બાંધી હતી. જોકે ટેમ્પો પલ્ટી ખાઈ જવાના કારણે બે ભેંસના મોત નીપજ્યા હતાં. જેથી પોલીસે પશુઘાતકીપણાની કલમનો ગુનો નોંધીને એક ભેંસની કિંમત રૂ.10 હજાર ગણીને કુલ 12 કિંમત રૂ.1,20,000 અને ટેમ્પાની કિંમત રૂ.3 લાખ મળીને કુલ રૂ.4,20,000નો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...