કરૂણાંતિકા:ટ્રકની સાઇડમાંથી નીકળવા જતાં ધોરણ 4ના છાત્ર માટે પાછળથી આવતું ડમ્પર યમદૂત બન્યું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાર્ક કરેલી ટ્રકથી ચાલવાની જગ્યા ન મળતાં છાત્ર રોડ પર ગયો અને જીવ ગુમાવ્યો - Divya Bhaskar
પાર્ક કરેલી ટ્રકથી ચાલવાની જગ્યા ન મળતાં છાત્ર રોડ પર ગયો અને જીવ ગુમાવ્યો
  • અંકલેેશ્વરના કાપોદરા પાટિયા પાસે શાહ પરિવારના એકના એક પુત્રનું મોત નિપજ્યું
  • ટ્યૂશનથી​​​​​​​ ઘરે પરત જતી વેળા માસૂમને કાળ ભરખી ગયો

અંકલેશ્વરના વાલીયા રોડ પર આડેધડ રીતે પાર્ક કરાયેલાં હાઇવાના કારણે રોડ પર ચાલી રહેલાં વિદ્યાર્થીનું અન્ય હાઇવાની ટકકરે કરૂણ મોત નીપજયું છે. મૃતક કથન શાહ ધોરણ – 4માં અભ્યાસ કરતો હતો અને ટયુશનથી ઘરે પરત ફરી રહયો હતો તે સમયે માર્ગમાં તેને કાળનો ભેટો થઇ ગયો હતો. એકનો એક પુત્ર ગુમાવી દેનારા કથનના માતા પિતાની હાલત દયનીય બની છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલી શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા નીરજ શાહ નો 10 વર્ષીય પુત્ર કથન ધોરણ- 4માં અભ્યાસ કરે છે.

શનિવારના રોજ સવારના સમયે અરસા માં કાપોદ્રા પાટિયા વિસ્તારમાં ટયુશનમાં ગયો હતો. ટયુશનેથી છુટયા બાદ તે ચાલતો ઘરે આવવા માટે નીકળ્યો હતો. કાપોદરા પાટીયા પાસે રોડની સાઇડ પર હાઇવા ઉભેલું હોવાથી તે સાઇડમાંથી રોડ પર ચાલવા લાગ્યો હતો. આ સમયે પાછળથી ધસમસતા આવેલાં હાઇવાના ચાલકે કથનને ટકકર મારી હતી. ગંભીર ઇજાના પગલે કથને સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડયાં હતાં. અકસ્માત કરનારા હાઇવાના ડ્રાયવરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પાર્ક કરાયેલી ટ્રકના ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત થયો
અંકલેશ્વર-વાલિયા માર્ગ પર રસ્તાની બંને તરફ દબાણો વધી ગયાં છે. આ ઉપરાંત ટ્રક સહિતના ભારદારી વાહનો રોડની સાઇડ પર પાર્ક કરી દેવામાં આવે છે. રાહદારીઓને ચાલવા માટેનો પણ રસ્તો રાખવામાં આવતો નથી. ડમ્પરચાલકની બેદરકારીના કારણે માસુમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગેરકાયદે પાર્કિંગ રોકવામાં નહિ આવે તો આંદોલન કરીશું. - યુવરાજસિંહ મહારાઉલ, સ્થાનિક.

સ્ટેટ હાઇવે હોવા છતાં પણ વાહનોનું આડેધડ પાર્કિંગ
અંકલેશ્વરથી વાલીયા રોડ પરથી રોજની હજારો ટ્રકો પસાર થાય છે. આ રોડની આસપાસ સોસાયટીઓ આવેલી હોવાથી નાના વાહનોની પણ સંખ્યા વધારે છે. આ રોડની સાઇડ પર ટ્રક સહિતના વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેવાતાં હોવાથી સાઇડનો રસ્તો રોકાય જતાં રાહદારીઓને જીવના જોખમે રોડ પરથી પસાર થવું પડે છે અને તેઓ અકસ્માતનો ભોગ બને છે. > અજય પટેલ, સ્થાનિક

એક મહિલાએ હાઇવાના ચાલકને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો
રોડ પર પાર્ક કરેલી ટ્રકના કારણે બાળક રસ્તા પરથી ચાલતો જતો હતો. તે સમયે હાઇવાના ડ્રાયવરે તેને અડફેટમાં લીધો હતો. એક મહિલાએ પાછળથી પુરઝડપે આવી રહેલાં હાઇવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ હાઇવા એટલું સ્પીડમાં હતું કે બાળકને ટકકર માર્યા પછી ઉભું રહયું હતું તેમ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતને જોડતો મહત્વનો માર્ગ બન્યો છે
અંકલેશ્વર - વાલીયા રોડ એ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતને જોડતો મહત્વનો માર્ગ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાંથી દક્ષિણ ભારત તરફ જતી અને આવતી ટ્રકો આ માર્ગ પરથી પસાર થાય છે. આ રોડ પર સ્થાનિક ઉપરાંત અન્ય ટ્રકોની અવજવર વધી જતાં આ માર્ગ અકસ્માત ઝોન બની ગયો હોવાથી લોકોમાં ભય જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...