પ્લાસ્ટિકની થેલીઓ મુદ્દે તુંતું-મેંમેં:અંકલેશ્વરમાં અધિકારી અને શાકભાજી વિક્રેતા વચ્ચે બોલાચાલી; વિક્રેતાએ કહ્યું-પહેલા ફેક્ટરીઓ બંધ કરાવો પછી દંડ વસૂલો

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • જ્યાં સુધી ફેકટરીઓ બંધ નહિ થાય ત્યાં સુધી માર્કેટમાં થેલીઓ આવશે

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા શાક માર્કેટમાં 75 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિક બેગનું ચેકિંગ અને દંડની વસુલાત માટે નીકળેલા પાલિકા અધિકારી અને શાકભાજી વિક્રેતા વચ્ચે શાબ્દિક તુંતું મેંમેં સર્જાઈ હતી. જોકે પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. જ્યારે વિક્રેતાઓએ જ્યાં સુધી પ્લાસ્ટિકની બેગ બનાવતી ફેક્ટરી બંધ નહિ થાય ત્યાં સુધી અમે ગ્રાહકને આપીશું અને દંડ પણ નહિ આપવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

પાલિકાની ટીમ પ્લાસ્ટિકની થેળીઓના ચેકિંગમાં નીકળતા વેપારીઓ સાથે ચકમક
સરકારે પ્લાસ્ટિકની બેગ બંધ કરાવાને લઇને હવે નિયમોના પાલનને લઇને વેપારી અને અધિકારીઓ વચ્ચે ચકમક ઝરવાની ઘટના સામે આવી રહી છે.અંકલેશ્વર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા, જયેશ સોલંકી, વ્યવસાય વેરા અધિકારી અશ્વિન દવે તેમજ અન્ય સ્ટાફ સાથે ત્રણ રસ્તા માર્કેટ ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગ અંગેના ચેકિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન શાકભાજી વિક્રેતાઓ વિરોધ નોંધાવ્યો હતો અને વારંવાર દંડ વસૂલી રહ્યા હોવાની ફરિયાદ સાથે દંડ નહિ ભરવા અંગે અધિકારી જોડે તુંતું મેંમેં પર ઉતરી આવ્યા હતા. આ માથાકૂટ વચ્ચે સ્થાનિક બંદોબસ્તમાં આવેલ પોલીસ એ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.

પહેલા હોલસેલ અને બેગની ફેકટરીઓ બંધ કરાવો પછી અમારી પાસે દંડની વસુલાત કરો
શાકભાજી વિક્રેતાઓ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે આ પ્પ્લાસ્ટિકની બેગો ઘરમાં નથી બનાવતા અમારી પાસે એવા કોઈ મશીન નથી કે અમે તેને માપીએ કે આ કેટલા માઇક્રોનની બેગ છે.હોલસેલ વ્યાપારી આપે છે અને અમે ગ્રાહકોને આપીએ છીએ.પહેલા હોલસેલ દુકાનો અને ફેક્ટરીઓને બંધ કરવો પછી અમારી પાસે દંડ વસુલાત કરવા આવવાની ઉગ્ર રજૂઆત કરી હતી.જોકે માથાકૂટના અંતે શાકભાજી વિક્રેતાઓ દંડ ભરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...