ભરૂચ જિલ્લાની અંકલેશ્વર વિધાનસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસમાં બે ભાઇઓ વચ્ચે ટકકર છે ત્યાં બીટીપી માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યાં છે. બીટીપીએ અંકલેશ્વર માટે જાહેર કરેલાં ઉમેદવારે ઉમેદવારીપત્ર જ ભર્યું ન હતું. તો રાજયના પુર્વ પોલીસ અધિકારી ડી.જી.વણઝારાની પ્રજા વિજય પક્ષમાંથી પણ એક ઉમેદવારીપત્ર ભરાયું છે.
અંકલેશ્વર વિધાનસભા બેઠક માટે કુલ 12 ઉમેદવારીપત્રો ભરાયાં છે. ગુરૂવારે ફોર્મ પરત ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સામે આવશે. અંકલેશ્વર બેઠક માટે છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મહત્વની બાબત એ હતી કે, મહેશ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીનો મેન્ડેટ હોવા છતાં ઉમેદવાર નિતિન વસાવાએ ઉમેદવારી જ કરી ન હતી. બીટીપી દ્વારા ધંતુરીયા ગામ ના નીતિન વસાવાનું નામ જાહેર કરી મેન્ડેટ આપ્યું હતું. જો કે નીતિન વસાવા એ ફોર્મ ના ભરી આશ્ચર્યજનક રીતે પીછે હઠ કરી દીધી છે.
જેને લઇ ત્રિપાંખિયો જંગ ના એંધાણ ઉભા થયા હતા જો કે હવે તેમાં ચોથા પક્ષ તરીકે ડી જી વણઝારા દ્વારા ઊભા કરવામાં આવેલ પ્રજા વિજય પક્ષના ગુપચુપ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અંકલેશ્વર ચૂંટણી જંગમાં હવે ચતુષ્કોણીય જંગ જોવા મળશે.અંકલેશ્વર વિધાનસભા બેઠક માટે ભરાયેલાં ઉમેદવારીપત્રોની મંગળવારના રોજ ચકાસણી હાથ ધરવામાં આવશે અને મુખ્ય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેશે તો ડમી રદ થઇ જશે. અંકલેશ્વર વિધાનસભા બેઠક માટે 5મી તારીખે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.
આજે અંતિમ દિવસ સુધી 12 ઉમેદવારીપત્રો ભરાયાં છે. અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે સવારથી ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યાં હતાં. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસડીએમ કચેરી સવારથી લોકોની અવરજવરથી ધમધમતી રહી હતી. બીટીપીના ઉમેદવારે કયાં સંજોગોમાં ઉમેદવારીપત્ર નથી ભર્યું તેની વિગતો હજી બહાર આવી નથી. હાલ બીટીપીમાં પિતા અને પુત્ર વચ્ચે વિવાદ ચાલી રહયો છે જેના કારણે અંકલેશ્વરમાં બનેલી ઘટના પણ ચર્ચાની એરણે ચઢી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.