અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરમાં આવેલ ઓરેન્જ / સ્પાર્કલ સ્પા પાર્લરમાં સ્પાની આડ માં બહાર થી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર થતો હોવાની ચોક્કસ માહિતી અંકલેશ્વર જીઆઇડીસી પી.આઈ. ઓ.કે જાડેજા ને મળી હતી. જે આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી સ્પા પર દરોડા પાડ્યા હતા જ્યાં દેહ વ્યાપાર કરતી યુવતીઓ અને સ્પા સંચાલક ઝડપાઈ જવા પામ્યા હતા.
પોલીસે સ્પા સંચાલક મહેશ ઉર્ફે વિષ્ણુ ભીલારેની ધરપકડ કરી તેના વિરુદ્ધ ઈમમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો તેમજ સ્પા માંથી 15000 રૂપિયા ની કિંમતના બે મોબાઈલ અને કાઉન્ટર માં રહેલા 8220 રૂપિયા રોકડા તેમજ નિરોધ નું પેકેટ જપ્ત કર્યું હતું. તેમજ સ્પા સંચાલક ની પૂછપરછ આરંભી હતી. અંકલેશ્વર શહેર તથા જીઆઇડીસી વિસ્તારમાં ઠેર ઠેર સ્પાનો રાફડો ફાટી નીકળ્યો છે અને મસાજની આડમાં મોટા પાયે દેહ વ્યાપાર કરાવવામાં આવી રહયો છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેરઠેર થાઇ મસાજના નામે સ્પા સેન્ટરો ધમધમી રહયાં છે પણ તેમાં મસાજની સાથે સાથે દેહ વ્યાપારની પ્રવૃતિ પણ ધમધમી રહી છે. અંકલેશ્વરમાં જીઆઇડીસી વિસ્તારમાં સ્પા સેન્ટરોની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને તેમાં દરરોજ નવી નવી યુવતીઓની અવરજવર રહેતી હોય છે. દેહ વ્યાપારનો વેપલો રોકવા માટે પોલીસે વોચ ગોઠવી હતી અને ડમી ગ્રાહકને મોકલીને ખરાઇ કર્યા બાદ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.