અંકલેશ્વર ગડખોલ બ્રિજ પરથી પસાર થતાં બાઈક સવાર યુવકને પતંગની દોરીથી માથું કપાયું હોવાની ઘટના સામે આવી છે. બાઈક ચલાવતી વખતે અચાનક પતંગની દોરી આવી જતા કપાળનો ભાગ ચિરાઈ ગયો હતો. આ સમયે આજુ-બાજુથી પસાર થતા વાહન ચાલકો દોડી આવી 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
યુવાનના કપાળના ભાગે ઊંડે સુધી દોરી ઉતરી ગઈ
એક તરફ તંત્ર દ્વારા જન જાગૃતિ સાથે મોપેડ સહીત બાઈક પર સેફ્ટી ગાર્ડ રૂપે તાડ લગાવી આપવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે અંકલેશ્વર શહેર અને જુના નેશનલ હાઇવે નંબર 8ને જોડતા ગડખોલ ટી બ્રિજ પર પતંગ દોરીથી બચવા તાર ફેન્સીંગ નહિ હોવાના કારણે બુધવારના રોજ એક યુવાનનું કપાળ દોરીથી કપાયુ હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના અલ્પેશ અશોકભાઈ પટેલ બ્રિજ પરથી પોતાની બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક પતંગની દોરી આવી જતા માથાના ભાગે દોરી ભેરવાઈ ગઈ હતી અને દોરીમાં યુવાનનું કપાળ પર ઊંડે સુધી દોરી ખુંપી ગઈ હતી.
બ્રિજ ઉપર તાર નહિ લગાવેલો હોવાથી અકસ્માત
જેને લઇ યુવાન રોડ પર પટકાયો હતો. ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા. યુવાનના કપાળેથી દોરી કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા માત્ર ઓએનજીસી ઓવર બ્રિજ પર જ તાર લગાવ્યા છે. જ્યારે ગડખોલ ટી બ્રિજ પર તાર લગાવ્યા નથી. જ્યાં પાલિકા, પંચાયતની હદ વચ્ચે બનેલા ટી બ્રિજ પર તાર ફેન્સીંગના હોવાથી યુવાન દોરી કપાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.