બુટલેગરની મુદ્દામાલ સાથે ધરપકડ:અંકલેશ્વરમાં સ્વીફ્ટ કારમાંથી ભરૂચ LCB પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો; બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના નવાપુરથી સુરતનો ઈસમ સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરતો હતો. આ માલ અંકલેશ્વરના કાસીયા ગામે રહેતા બુટલેગરને પહોંચાડવાનો હતો. જે બાબતની બાતમી મળતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાકરોલ બ્રિજ નીચેથી દારૂ અને કાર મળીને કુલ રૂ.4.69 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાકરોલ બ્રિજ પરથી માહિતીના આધારે મુદ્દામાલ ઝડપાયો
રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ આચારસંહિતા લાગુ થઇ ચુકી છે. તેવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. ભરૂચ જિલ્લામાં પણ ઠેક ઠેકાણે પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ બાતમીના આધારે સુરતથી ભરૂચ તરફ સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ,15,CG 1058માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. જેના આધારે LCBની ટીમે અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસે માલ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા
​​​​​​​
પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 1169 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.1.66 લાખનો ઈંગ્લીશ દારૂ, સ્વીફ્ટ ડિઝાયર કાર કિંમત રૂ.3 લાખ, એક મોબાઈલ મળી કુલ રૂ.4.69 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાંથી પોલીસે સુરતના નરેન્દ્ર ચૈતરામ ગુપ્તા નામના બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે મહારાષ્ટ્ર નવાપુરાના સપ્લાયર બુટલેગર પંકજ તેમજ અંકલેશ્વર જુના કાસીયાના કુખ્યાત બુટલેગર સહદેવ ઉર્ફે કરણ જેસિંગ વસાવાઓને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...