ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોરીની મોપેડ લઈને ફરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોપેડ કિં.રૂ. 30 હજાર અને એક મોબાઈલ રૂ. 5 હજાર મળીને કુલ 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જિલ્લા એસપી ડો. લીના પાટીલે જિલ્લામાં મિલ્કત અને વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હતી. જેના આધારે જિલ્લામાંથી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી, વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલ.સી. બી.ની ફીલ્ડ તથા ટેક્નિકલ સેલની ટીમો બનાવી હતી.
આ ટીમના પીએસઆઈ જે.એન. ભરવાડ તથા સ્ટાફના જવાનો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, માંડવા ગામમાં કેબલ બ્રીજ નીચે રહેતો સુનિલ અશોકભાઇ વસાવા ગ્રે કલરનું નંબર પ્લેટ વગરનું એક્ટીવા ફેરવે છે. જે એક્ટીવા શંકાસ્પદ છે અને જે હાલમાં કેબલ બ્રીજ નીચે એક્ટીવા સાથે હાજર છે.
પોલીસ ટીમને મળેલી માહિતીના આધારે ટીમ દ્વારા માંડવા કેબલ બ્રીજ નીચેથી એક્ટીવા ચોરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા મોપેડ ચોર ઇસમની પૂછતાછ કરતાં તે ભાગી પડેલો અને આશરે ત્રણેક મહિના પહેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર માંડવા કેબલ બ્રીજ નજીક રોડની બાજુમાંથી એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જે અન્વયે દાખલ થયેલા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની એક્ટીવા ચોરીનો ગુનો શોધી કાઢ્યો હતો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીઝરની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલો છે. તેની પાસેથી એક મોપેડ કિં.રૂ. 30 હજાર અને એક મોબાઈલ રૂ. 5 હજાર મળીને કુલ રૂ. 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.