સુરતના લેબર કોન્ટ્રાક્ટરને હાંસોટના માર્ગ ઉપર કોસંબા સુધી લિફ્ટ માંગી કારમાં સવાર થયેલા બે ઈસમોએ પિસ્તોલની અણીએ તેનું અપહરણ કરીને લૂંટી લેનારા ત્રણ લૂંટારુઓને ભરૂચ LCB અને હાંસોટ પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી વેન્ટો ફોરવ્હીલ કાર સહિત કુલ કિંમત રૂ. 3,06,500નો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદીને કારમાંથી ધક્કો મારીને કાર લઈને ભાગી ગયા હતાં
સુરતના ઓલપાડનો લેબર કોન્ટ્રાક્ટર 27મી ફેબ્રુઆરીના રોજ ગંધાર ખાતે સોલ્ટના મજૂરો લેવા જઇ રહ્યો હતો. તે વેળાં હાંસોટના ઓભા-પાંજરોલી ગામ પાસે બાઇક પર આવેલાં ત્રણ પૈકી 2 જણાએ તેમને રોકી કોસંબા સુધીની લિફ્ટ માંગી હતી. બાદમાં રસ્તામાં પિસ્તોલની અણીએ તેનું અપહરણ કરી તેના એટીએમ સહિત રોકડા રૂપિયાની લૂંટ કરી વધુ રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ લૂંટારૂઓએ તેમને હાઇવે પર રાજ હોટલ પાસે ધક્કો મારી કારમાંથી બહાર ફેંકી દઇ તેમની વેન્ટો કાર લઇને ભાગી ગયાં હતાં. આ મમાલે ફરિયાદીએ હાંસોટ પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
અમરેલીમાં લૂંટની કારના ઈસમો દેખાયા હોવાની માહિતી હતી
ભરૂચ તેમજ હાંસોટ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નેત્રમ કેમેરાઓના ફુટેજો ચેક કરીને આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા LCB PI ઉત્સવ બારોટ, હાંસોટ PI કે.એમ વાઘેલા અને ટીમનાં માણસોએ ચાર દિવસથી રૂટ ઉપરના આસપાસના CCTV ફુટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી લુંટારાઓને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન માહિતી મળી હતી કે, હાંસોટમાં થયેલી લૂંટની સફેદ કલરની વેન્ટો કારમાં ત્રણ ઇસમો અમરોલી વિસ્તારમાં જોવામાં આવેલા છે. પોલીસે અમરોલીમાં આવેલી ભગુનગર સોસાયટી બહાર રોડ ઉપરથી લૂંટમાં ગયેલી સફેદ કલરની વેન્ટો કાર સાથે ત્રણ ઇસમોને ઝડપી પૂછતાછ કરતા તેઓએ તેમનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસે ડેકીમાં રહેલા ત્રણ લાખની તપાસ શરૂ કરી
પોલીસે આરોપી રધુ કળોતરા, ભરત ભનુભાઇ ઉર્ફે રાજુભાઇ મારૂ અને યોગેશ ઊર્ફે યોગી ઘેલૈયાને ઝડપી પાડયો હતો. તેમની પાસેથી એક કાર, ત્રણ મોબાઈલ, એક એરગન અને સેમસંગ કંપનીનો એક મોબાઈલ મળીને કુલ રૂ. 3,06,500નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છેકે, વેપારીએ પોલીસ ફરિયાદમાં લખાવેલા કારની ડેકીમાં મજૂરો લેવા માટે મુકેલા ત્રણ લાખ અંગે હજીય કોઈ ખુલાસો નથી કરાયો. આ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.