અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં શુક્રવારના રોજથી ખાનગી વાહનોના પ્રવેશ પર પાબંધી ફરમાવી દેવામાં આવતાં અરજદારો મુંઝાયાં હતાં. ખાનગી વાહનોને કચેરીની બહાર જ પાર્ક કરાવવામાં આવ્યાં હતાં. આ અંગે સ્થળ તપાસ કરતા આજુબાજુ ના કોમ્પલેકસમાં પાર્કિંગની સુવિધા નહિ હોવાથી વેપારીઓ તથા ગ્રાહકોએ જ કચેરીને પાર્કિંગ ઝોન બનાવી દીધો હતો.
દુકાનદારો સવારથી આવી તેમના વાહનો પાર્ક કરી દેતાં હોવાથી અન્ય લોકોને તેમના વાહનો પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. તાલુકા સેવા સદનની કચેરીમાં આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનો સામે લાલઆંખ કરી એસડીએમ નૈતિકા પટેલે કચેરીમાં ખાનગી વાહનોના આવવા પર જ રોક લગાવી દીધી છે. જો કે તંત્રના નિર્ણયના કારણે અરજદારોને હાલાકી પડતી હોવાથી યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે નિર્ણય લેવાયો
કચેરીના પટાંગણમાં વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવતાં હોવાથી અન્ય લોકોને તકલીફ પડે છે. આસપાસના દુકાનદારો પણ અહીંયા વાહનો પાર્ક કરીને જતાં રહે છે. તેથી કચેરીમાં સરકારી સિવાય અન્ય વાહનોના પાર્કિંગ પર પાબંધી કરી છે. - નૈતીકા પટેલ , એસ.ડી.એમ અંકલેશ્વર
વહીવટીતંત્રે પાર્કિંગ બાબતે તઘલખી નિર્ણય લીધો
સેવા સદનની કચેરીમાં લોકો ગામડાઓમાંથી તેમના કામ માટે આવતાં હોય છે. આ નિર્ણયથી અરજદારોને હાલાકી વેઠવી પડે છે. આ નિર્ણય પાછો નહી ખેંચાય તો યુથ કોંગ્રેસની આંદોલન કરવાની પણ તૈયારી છે. - સોયેબ ઝઘડિયા વાલા,પ્રદેશ મંત્રી , યુથ કોંગ્રેસ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.