સમસ્યા:આસ્થા ગામેે NCTની લાઈનમાં ભંગાણ ઉદ્યોગોને હાલ પાણી નહિં છોડવા તાકીદ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમારકામ માટે એનસીટીની પાઇપ લાઈન બંધ કરી પ્રદુષિત પાણી ઉલેચવાની કવાયત હાથ ધરાઇ
  • હાંસોટના​​​​​​​ રામનગરથી કોસંબા તરફ જતા માર્ગ પર આસ્થા ગામ પાસે ભંગાણ સર્જાયું છે

હાંસોટના આસ્થા ગામ નજીક એનસીટીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. અંકલેશ્વર પાનોલી ઉદ્યોગો પાણી ન મોકલવા હિદાયત એનસીટી દ્વારા આપવામાં આવી છે. બી.એસ.એન.એલ દ્વારા જેસીબી વડે ખોદકામ કરતી વેળા ભંગાણ સર્જાયું હતું. પાઈપલાઈન ઉપરના ભાગે જેસીબીનું બકેટ વાગતા લીકેજ થયું છે. એન.સી.ટી દ્વારા સમારકામ માટે લાઈન બંધ કરી પ્રદુષિત પાણી ઉલેચવાની કવાયત આરંભી હતી. જીપીસીબી દ્વારા સ્થિતિ પર નજર રાખી મોનીટરીંગ શરૂ કર્યું હતું.

અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણીને વહન કરી દરિયા ઠાલવતી એનસીટીની પાઇપ લાઇનમાં પુનઃ એકવાર હાંસોટ ખાતે ભંગાણ સર્જાયું છે. હાંસોટ રામનગરથી કોસંબા તરફ જતા માર્ગ પર આસ્થા ગામ પાસે ભંગાણ સર્જાયું છે. બી.એસ.એન.એલ દ્વારા કેબલ માટે ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જેસીબી પાઇપ લાઇનમાં વાગતા પાઇપ લાઈન તૂટી જવા પામી હતી. અને અંદર રહેલ ટ્રીટેટ કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ફેલાયું હતું. આ અંગે એન.સી.ટીને જાણ કરવામાં આવતા તેમના દ્વારા આઉટ લેટ બંધ કરી ત્વરિત અસરથી સમારકામ ટીમને સ્થળ પર મોકલી હતી.

તેમજ અંકલેશ્વર -પાનોલીના ઉદ્યોગોને એન.સી.ટી તરફ કેમિકલ યુક્ત પાણીનો ડિસચાર્જ ન કરવા તાકીદ કરતા મેસેજ સોસીયલ મીડિયા પર વહેતા કર્યા હતા. તેમજ સ્થળ પર પહોંચી પ્રાથમિક કેમિકલ યુક્ત પાણી પમ્પીંગ કરી ઉલેચવાની કામગીરી આરંભી હતી. તેમજ ભંગાણને રીપેર કરવાની કવાયત આરંભી હતી.

BSNL દ્વારા કરાયેલાં ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી હતી
હાંસોટના આસ્થા નજીક BSNL દ્વારા ખોદકામ દરમિયાન લાઈન પર જેસીબી મશીન વાગતા પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું છે. તકેદારી રૂપે આઉટ લેટ બંધ કરી આ અંગે ઉદ્યોગો NCTમાં પ્રદુષિત પાણી ન છોડવા તાકીદ કરી છે. વહેલી તકે રીપેરીંગ વર્ક પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. - પ્રફુલ પંચાલ, ચીફ ઓપરેશન હેડ. એન.સી.ટી

48 કલાક માં લાઈન રીપેર નહિ થાય તો ઉદ્યોગો રોજનું 150 કરોડ ઉપરાંતનું નુકશાનનો અંદાજ
દિવાળી બાદ માંડ માંડ ઉદ્યોગો શરૂ થયા છે. જે વચ્ચે અચાનક એન.સી.ટી ની લાઈનમાં ભંગાણ પડતા ઉદ્યોગો પ્રદુષિત પાણી ન છોડવાની હિદાયત આપવામાં આવી છે. ઉદ્યોગો પાસે 24 અથવા 48 કલાક સ્ટોરેજ કેપેસિટી હોય છે. જો 48 કલાક બાદ પણ લાઈન રીપેર ન થશે તો ઉદ્યોગો બંધ કરવાનો વારો આવશે જેને લઇ રોજનું 150 કરોડ ઉપરાંતનું પ્રોડક્શન લોસ થવાની સંભાવના ઉભી થઇ છે.

જીપીસીબીએ મોનીટરીંગની શરૂઆત કરી
એન.સી.ટી. ની લાઈનમાં પડેલા ભંગાણ ને લઇ પુનઃ એકવાર જીપીસીબી દ્વારા સ્થિતિ પર નજર રાખવા અલગ અલગ મોનીટરીંગ કરવા ટીમો કાર્યરત કરી હતી અને એન.સી.ટી તરફ પ્રદુષિત પાણી બંધ થતા જાહેર માં પ્રદુષિત પાણી ન છોડવામાં આવે તે માટે અંકલેશ્વર અને પાનોલી માં મોનીટરીંગ શરુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...