અંકલેશ્વર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ CGSTના સુપ્રીટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરની CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ રૂ.75,000ની કથિત લાંચના કેસમાં ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
અધિકારીએ 75 હજારની લાંચની માંગ કરી
દિલ્હીથી CBIએ જારી કરેલી વિગતો મુજબ, અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમાર સામે 75,000 લાંચ માંગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. વેપારી પાસે 75,000 મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે CGST સુપ્રીટેન્ડન્ટએ પોતાના અધિકાર ક્ષેત્ર અંકલેશ્વરમાંથી માલ પરિવહન માટે આ લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં અંકલેશ્વર CGST અધિક્ષક દિનેશ કુમારે તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે મહિને રૂપિયા 1.50 લાખના હપ્તાની પણ માંગણી કરી હતી.
બંનેને સોમવાર સુધી કસ્ટડીમાં મોકલી દેવાયા
CBIએ વેપારીની ફરિયાદ મળતા અંકલેશ્વર ખાતે છટકું ગોઠવ્યું હતું અને સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમારને ફરિયાદી વેપારી પાસેથી રૂ.75,000ની લાંચની માંગણી અને સ્વીકારતા રંગેહાથે પકડી લીધા હતા. CBIની ટ્રેપની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર CGST મદદનીશ કમિશનર યશવંતકુમાર માલવીયાની ભૂમિકા લાંચની માંગણી અને સ્વીકારમાં મળી આવી હતી. તેને પણ CBIએ પકડી લીધો હતો અને બંને આરોપીઓના ઘરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 1.97 લાખ ઉપરી અધિકારીના પરિસરમાંથી મળી આવતા વસૂલ કરવામાં આવ્યા હતા. પકડાયેલા બંને આરોપીને સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.