અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી નજીક મૌર્ય રેસિડન્સી પાસેથી જીઆઇડીસી પોલીસે સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. જ્યારે નંદુરબારના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 5.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય નવા છાપરા ગામ ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં બુટલેગરના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી 12 બોટલ મળી આવી હતી.
કારમાં દારૂનો જથ્થો સપ્લાય કરાતો હોવાની માહિતી મળી હતી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને કારમાં દારૂની સાપ્લાય થતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે જલધારા ચોકડી પાસે મૌર્ય રેસિડન્સી પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન માહિતીવાળી મારુતિ સ્વીફ્ટ કાર આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર ભરૂચના વડદલા ગામની સરિતા રેસીડેન્સીમાં રહેતા દિવ્યેશ દિલીપભાઈ કાનાણી અને અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી પાસે અક્ષર રેસીડેન્સીમાં રહેતા મૌલિક માધુભાઈ ઉંજીયાની ધરપકડ કરી હતી.
GIDC પોલીસે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે તેમની પાસેથી રૂપિયા 54 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 5 લાખની સ્વીફ્ટ કાર તથા 20 હજારના 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5 લાખ 75 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં મહારાષ્ટ્રના નંદુરબારના સંદીપ સુધાકર નામના શખ્સનું નામ પણ બહાર આવ્યું હતું, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે નવા છાપરાથી દારૂ પકડ્યો
આ ઉપરાંત અંકલેશ્વર શહેર પોલીસએ નવા છાપરા ગામ ખાતે વિગ્નેશ રાજુ વસાવાના ત્યાં દરોડા પાડ્યા હતા. જેના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી 12 બોટલ મળી આવી હતી. પોલીસે 2400 રૂપિયા ઉપરાંતની ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ બુટલેગર વિગ્નેશ રાજુ વસાવાની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.