અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓનો રંગોત્સવ અંતર્ગત વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની પ્રાથમિક શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
11 શાળાના 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓની કલાશક્તિને ઉજાગર કરવા અને તેઓની કલાશક્તિને પ્રદર્શિત કરવા માટે નગર શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે રંગોત્સવ અંતર્ગત વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શુક્રવારના રોજ નગર શિક્ષણ સમિતિ દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રંગોત્સવ કાર્યક્રમમાં 11 જેટલી નગરપાલિકા સંચાલિત શાળાઓના 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મોટી સંખ્યામાં મહાનુભાવો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં
વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત થીમ, આઝાદી કા અમૃત મહોત્સવ, અર્વાચીન ગરબા, યોગા સહીતની વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચની ધોરણ 3માં અભ્યાસ કરતી 9 વર્ષીય દુર્વા મોદી કે જેણે ડોનેશન બોક્સ દ્વારા ડોનેશન ઉઘરાવીને આ ડોનેશન બોક્સ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 40 જેટલી વિદ્યાર્થીઓની બાકી પડતી ફી ભરવા માટે અર્પણ કર્યું હતું. જે દુર્વા મોદીનું આ વાર્ષિકોત્સવમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણ, શાસનાધિકારી ભારત સલાટ સહિત નગરપાલિકાના સભ્યો, 11 શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.