અંકલેશ્વરમાં આવેલી ગાર્ડન સિટીમાં ગેસ લાઇન લીકેજ થઈને તેમાં આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતાં. આગની જાણ સ્થાનિકોએ ગેસ કંપનીને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવીને ગેસ પુરવઠો બંધ કરી આગ ઓલવી કાઢી હતી.
ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતાં
અંકલેશ્વરમાં ગાર્ડન સિટી નામની મોટી સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં બપોરના સમયે ગેસ પાઇપ લાઈનમાં લીકેજ સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. ગેસ લાઇનના કરાણે આગની જવાળાઓ ઊંચે સુધી ઉડતા આસપાસના મકાન માલિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેના કારણે લોકો પોતાના મકાનોમાંથી બહાર પણ દોડી આવ્યા હતાં. જોકે આગના કારણે એક મકાન આગની ચપેટમાં આવતા સ્થાનિકોએ આગની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ અને અંકલેશ્વર DPMCના ફાયરના લશ્કરોને કરતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. આગના કારણે સોસાયટીમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
સ્થાનિકોએ આગ ઓલવાતા રાહતનો શ્વાસ લીધો હતો
આગનો કોલ મળતા જ ગેસ કંપનીના અધિકારીઓ ટેકનીકલ ટીમના સભ્યો સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતાં. તેઓએ આવીને સૌ પ્રથમ આ વિસ્તારનો ગેસ પુરવઠો બંધ કર્યો હતો. જેના કારણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગેસ કંપનીના અધિકારીઓએ લીકેજ ગેસ લાઇનનું પંચર રીપેર કરીને રાબેતા મુજબ ગેસ પુરવઠો ચાલુ કર્યો હતો. આગ ઓલવાઈ જતાં આસપાસના સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.