આંદોલનની ચીમકી ઉચ્ચારી:અંકલેશ્વરમાં પોષણ સુધા યોજના સામે આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન, પંચાયત કચેરીએ આવેદન પાઠવ્યું

અંકલેશ્વર14 દિવસ પહેલા

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનોએ પોષણ સુધા યોજનાનો વિરોધ નોંધાવીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોબાઈલ સંબંધિત સમસ્યાઓનાં નિવારણની પણ માંગણી સાથે આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

19 રૂપિયામાં સંપૂર્ણ ભોજન મળી શકે તેમ નથીઃ આંગણવાડી બહેનો
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે એકત્રિત થઈ પોષણ સુધા યોજનામાં પડતી મુશ્કેલી સાથે મોબાઈલ એન્ટ્રી ઘટાડવા ફરજીયાત પર્સનલ મોબાઈલથી ફોટા માંગવાનું બંધ કરવા જેવા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે, ગુજરાતનાં 5 જીલ્લાનાં 10 ઘટકોમાં હાલ ચાલુ કરવામાં આવેલા સગર્ભા, ધાત્રી માતાઓને રોજ એક વખત સંપૂર્ણ ભોજન મળી રહે તે માટે પાયલોટ પ્રોજેકટ તરીકે પોષણ સુધા યોજના અમલમાં મૂકવામાં આવી છે.

થાળી બનાવવા અંદાજીત 159 રૂપિયાનો ખર્ચ
તે યોજનામાં હાલની મોંઘવારીનાં પ્રમાણમાં જે રૂ.19ની થાળી જેની માત્રા જોતા લાગે છે કે, સંપૂર્ણ ભોજન એટલેકે દાળ-ભાત, શાક, રોટલી મળી શકે તેમ નથી. આટલામાં સગર્ભા ધાત્રી માતા સપૂર્ણ ભોજન લઈ શકે ખરી? આજની મોંઘવારીમાં બજાર ભાવ જોતા રૂ.19માં થાળી કેવી રીતે ખવડાવી શકાય? આપવામાં આવેલ મેનું પ્રમાણે થાળી બનાવવા માટે અંદાજીત 159 રૂપિયાનો ખર્ચ થતો હોય છે.

રોજના 5 ફોટાગ્રાફ મોકલવાનું દબાણ
સરકાર દ્વારા આપવામાં આવેલા કેશ મોબાઈલ શોભાના ગાંઠીયા સમાન જ છે. એમાં એક પણ કામગીરી થતી જ નથી. જયારે બહેનોને પોતાનાં પર્સનલ મોબાઈલથી કામગીરી કરવા સખત દબાણ અને માનસીક ત્રાસ આપવામાં આવે છે. તે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે બહેનોએ એન્ટ્રી તો કરી જ છે, પરંતુ અધિકારીઓ દ્વારા સવારે ટાઈમ- સ્ટેમ્પ સાથે રોજનાં 5 ફોટોગ્રાફ મોકલવાનું જે દબાણ અને ફરજ પાડવામાં આવી રહી છે. તે તાત્કાલીક ધોરણે બંધ કરવા જેવી માંગણીઓને લઇ તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...