ભાસ્કર એક્સકલૂઝિવ:અંકલેશ્વરમાં 18 મહિનામાં હવાઇપટ્ટી કાર્યરત કરાશે, મોટા કાર્ગો પ્લેન પણ ઉતારી શકશે

અંકલેશ્વરએક મહિનો પહેલાલેખક: હર્ષદ મિસ્ત્રી
  • કૉપી લિંક
અમરતપુરા ગામ પાસે તૈયાર થઇ રહેલી એરસ્ટ્રિપનો અવકાશી નજારો જોઇ શકાય છે. - Divya Bhaskar
અમરતપુરા ગામ પાસે તૈયાર થઇ રહેલી એરસ્ટ્રિપનો અવકાશી નજારો જોઇ શકાય છે.
  • અમદાવાદ વડોદરા અને સુરત બાદ સૌથી લાંબી હવાઇપટ્ટી

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે રાજયની ચોથી સૌથી મોટી હવાઇપટ્ટી બનાવવા માટેની કવાયત વેગવંતી બનાવી દેવામાં આવી છે. 2.5 કિમીથી વધુની લંબાઇ ધરાવતી એરસ્ટ્રીપ હાલ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે.આગામી 18 મહિનામાં અંક્લેશ્વરની હવાઇપટ્ટી કાર્યરત કરી દેવાય તેવી સંભાવના છે. રાજયના ઉડ્ડયનમંત્રી પુર્ણેશ મોદીએ સ્થળની મુલાકાત લઇ કોન્ટ્રાકટરને જરૂરી સુચના આપી હતી. અઢી કીમી લાંબી હવાઇપટ્ટી પરથી બોઇંગ અને એરબસના મોટા વિમાનો પણ ઉડાન ભરી શકે તેવું આયોજન કરવામાં આવી રહયું છે.

આજદિન સુધી હવાઇપટ્ટી પરથી એક પણ વિમાને ઉડાન ભરી નથી
અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે છેલ્લા 30 વર્ષથી હવાઇપટ્ટી બનાવવાનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. દર વર્ષે બજેટમાં તેની જાહેરાત કરવામાં આવે છે પણ આજદિન સુધી હવાઇપટ્ટી પરથી એક પણ વિમાને ઉડાન ભરી નથી. હવાઇ પટ્ટીનો પ્રોજેકટ સાચા અર્થમાં હવાઇ બની ગયો છે. ઔદ્યોગિક હબ ધરાવતાં ભરૂચ જિલ્લામાં હવાઇ પટ્ટીની તાતી જરૂરીયાત હોવા છતાં સરકાર નકકર કાર્યવાહી કરતી ન હોવાની બુમો ઉઠી છે. ડીસેમ્બર -2021માં અમરતપુરા ખાતે કાર્ગો સર્વિસ સેવા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે ઈજારો આપવામાં આવ્યો હતો.

18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત
હાલ અઢી કિ મી લાંબો રનવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત છે જે વચ્ચે ગત રોજ રાજ્યના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ દુષ્યંત પટેલે એર સ્ટ્રીપ ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઇજારદાર દ્વારા કામગીરી 18 મહિના કરતા પહેલા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

2.5 કિમીનો રનવે તૈયાર કરાઇ રહ્યો છે
રાજ્યના સુરત અમદાવાદ ના વડોદરા બાદ ભરૂચ માં અઢી કિ મી નો રનવે બનશે જેના પર બોઈંગ 737 અને એરબસ 321 લેન્ડ કરી શકશે. બીજા ફૈઝ માં વિમાન રીપેરીંગ સેન્ટર, કાર્ગો હેન્ગર સહિતની અન્ય સેવા કામગીરી શરુ થશે. - દુષ્યંત પટેલ, ધારાસભ્ય, ભરૂચ

ભરૂચ નિકાસમાં દેશમાં છઠ્ઠા ક્રમે પણ સુવિધામાં શૂન્ય
દેશની કુલ નિકાસમાં ભરૂચ જિલ્લો છઠ્ઠા નંબર રૂપિયા 5000 કરોડ સાથે હોવાનું બહાર પડાયું હતુ. ઔદ્યોગિક ગઢ માટે હવાઈ અને કાર્ગો સેવા હજી શરૂ થઇ શકી નથી. દર વર્ષે સરકાર તરફથી હવાઇ પટ્ટીની હવાઇ વાતો કરવામાં આવતી હોવાનો ગણગણાટ ચાલી રહયો છે.

એરસ્ટ્રિપ માટે જાહેરાત પર જાહેરાતનો દોર
1993 માં હવાઈ મુસાફરીની જાહેરાત બાદ 2002 માં જમીન સંપાદન અને 2013-14 માં એરો મિકેનિકલ સેન્ટર ની જાહેરાત કરાઈ હતી. હવે પૂર્ણ 2021 માં અમરત પુરા ખાતે કાર્ગો સેવા ઉભી કરવાની જાહેરાત કરાઈ છે. જે પ્રથમ તબક્કા માં હશે. ત્યારબાદ બીજા ચરણ માં તેની સફળતા આધારે નાના પ્લેન વડે મુસાફરી સેવા શરુ કરવાની વિચારણા છે. પણ સરકાર દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...