અંકલેશ્વર સંજયનગર ખાતે BSNLની જર્જરિત સંરક્ષણ દીવાલ મુદ્દે પાલિકા તંત્રએ સર્વે કરી 5 દિનમાં ઉતારી લેવા BSNL કચેરીને નોટિસ ફટકારી હતી. આ જર્જરિત દીવાલ અંગે સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર મેસેજ મુકતા તંત્ર સર્વે કરી BSNL કચેરીને નોટીસ આપી હતી. યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મામલતદારને રજુઆત કરતા પાલિકાને જાણ કરાઈ હતી.
યુથ કોંગ્રેસે મામલતદારને દીવાલ અંગે રજૂઆત કરી
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ સંજયનગર ખાતે BSNL વિભાગની કચેરી આવેલી છે. જે કચેરીની સંજય નગરને અડીને આવેલી સંરક્ષણ દીવાલ જર્જરિત બની છે. જે ગમે ત્યારે પડી જવાના વાંકે ઉભેલી દીવાલ અંગે સ્થાનિકો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે વિડીયો અંગે યુથ કોંગ્રેસના સોયેબ ઝઘડિયાવાલાને જાણ થતા તેમણે આ અંગે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જાણ કરી હતી.
નગરપાલિકાએ પણ તપાસ કરી દીવાલ ઉતારવા નોટિસ આપી
આ તરફ પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાને પણ મેસેજ મળતા તેમના દ્વારા પાલિકા ટીમને મોકલી સર્વે કરાવ્યો હતો. જ્યાં જર્જરિત દીવાલ પડવાની હાલતમાં જોવા મળી હતી. જે આધારે પાલિકા તંત્ર દ્વારા ગુજરાત મ્યુનિસિપલ કલમ-182(2) હેઠળ ભારત સંચાર નિગમ લિમિટેડ અંકલેશ્વર કચેરીને 5 દિનમાં જર્જરિત દીવાલ ઉતારી લેવા નોટીસ ફટકારી હતી. આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મેસેજ મળતા જ તાત્કાલિક સ્થળ પર તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.