અંકલેશ્વર શહેરમાં દિવસ દરમિયાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માગ પ્રબળ બની છે. ભારે વાહનોની અવરજવરથી અકસ્માત અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બનેલાં લોકોએ પોલીસના લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરી છે.
અંકલેશ્વરની જિનવાલા સ્કૂલમાં આવેલ હોલ ખાતે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ નીઅધ્યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર શહેર એડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતાં વિસ્તારના લોકોની સમસ્યા જાણવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તાર ના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા અંગે આગેવાનો એ રજૂઆત કરી હતી જે પ્રશ્ન અંગે પોલીસ દ્વારા તાજેતર માં કરવામાં આવી રહેલી કામગીરી અંગે લોકોનેજાણકારી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વ્યાજખોરોને લઇ બનતા બનાવો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાંથી પસાર થતા ભારે વાહન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ માટે બાંહેધરી આપી હતી.
હાંસોટ તરફ જતાં ભારદારી વાહનો વધારે
અંકલેશ્વર શહેરમાં હાંસોટ રોડ તરફ જતાં ભારદારી વાહનોની સંખ્યા વધારે છે. હાંસોટ રોડ ઝડપથી વિકાસ પામી રહયો છે ત્યારે અહીં અનેક પ્રોજેકટ આકાર લઇ રહયાં છે. જેના કારણે માલસામાનની હેરાફેરી કરતાં વાહનોની સંખ્યા વધી છે. બીજી તરફ શહેરના રસ્તાઓ સાંકડા હોવાથી ભારદારી વાહનોના કારણે ટ્રાફિકજામ થઇ જાય છે. અંકલેશ્વર શહેરના શોપિંગ સેન્ટરો ખાતે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા નહી હોવાથી વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવતાં હોય છે. તેના કારણે પણ ટ્રાફિકજામ થઇ રહયો છે.
ટ્રક બગડી જતાં કલાકો સુધી ટ્રાફિકજામ
હાંસોટ રોડ પર થોડા મહિનાઓ પહેલાં એક ટ્રક બગડી જતાં ડ્રાયવર તેને રસ્તાની વચ્ચે જ મુકીને જતો રહયો હતો જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ રહયો હતો. બીજી તરફ ભારે વાહનોના કારણે અકસ્માતના બનાવો પણ વધી ગયાં છે તેથી લોકો દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોની અવરજવર પર રોક લગાવાય તેવી માગ કરી રહયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.