સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર જીઆઇડીસીમાંથી વધુ એક દારૂનું ગોડાઉન ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકમાંથી ગોડાઉનમાં ઠલવાતી દારૂની 486 પેટીઓ સાથે 3 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગોડાઉનમાં દારૂનું કટિંગ કરાતું હોવાની માહિતી હતી
થોડા દિવસો પહેલા જ અંકલેશ્વર GIDC પોલીસે માહિતીના આધારે દારૂ ભરેલા ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો. ત્યાં વધુ એક ગોડાઉન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે. સારંગપુર ગામની સીમમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગોડાઉનના માલિકે તેમનું ગોડાઉન OLX ઉપર ભાડે મૂક્યું હતું. આ ગોડાઉનને આરોપીઓએ ભાડે રાખ્યું હતું. જે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને આ ગોડાઉનમાં દારૂની કટિંગ કરાતો હોવાની માહિતી મળી હતી.
ગોડાઉનમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો ખાલી કરાઈ રહ્યો હતો
ટીમને મળેલી માહિતીના આધારે તપાસ કરીને બુધવારના રોજ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. ટીમના દરોડા દરમિયાન આરોપીઓ ટ્રકમાંથી દારૂની પેટીઓ ગોડાઉનમાં ખાલી ઝડપાઈ ગયા હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોડાઉનમાંથી એક ટ્રકમાંથી દારૂની 486 જેટલી પેટીઓ સાથે 3 આરોપીને ઝડપી પાડી અંકલેશ્વર GIDC પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. જોકે સ્ટેટ મોનીટરીંગ ટીમની હજીય ગણતરી અને કાર્યવાહી ચાલતી હોવાથી કુલ કેટલા મત્તાનો મુદ્દામાલ ઝડપાયો છે તે જાણી શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.