વિઘ્નહર્તાની ભાવભીની વિદાય:અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય શોભાયાત્રા નિકળી, તંત્રએ બનાવેલા જળકુંડોમાં ભક્તોએ શ્રીજીનું વીસર્જન કર્યું

અંકલેશ્વર22 દિવસ પહેલા

અંકલેશ્વરમાં શ્રીજી ભક્તોએ અગલે બરસ તું જલ્દી નાદ સાથે વિઘ્નહર્તાની નિર્વિઘ્ને વિદાય આપી હતી. શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ભક્તોએ શ્રીજીને વાજતે ગાજતે વહીવટી તંત્રએ બનાવેલાં જળ કુંડોમાં વિદાય આપી હતી.

અંકલેશ્વરમાં ધામધૂમથી શ્રીજીની સવારી નિકળી
અંકલેશ્વર તરફ નર્મદા નદીમાં વિસર્જન પર પ્રતિબંધ લાદ્યા બાદ ભક્તો નર્મદા નદી કિનારે ન પહોંચે તે માટે પોલીસ દ્વારા ગોલ્ડન બ્રિજ તેમજ દીવા રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે નર્મદા તરફ વિસર્જન માટે આવતા શ્રીજી ભક્તોને પોલીસે પરત વિસર્જન કુંડ તરફ વાળ્યા હતા. અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોર બાદ શ્રીજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. ક્યાંક ડીજે તો કંઈક ઢોલ-ત્રાંસાની ગુંજ વચ્ચે ભક્તો ઝૂમ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ શોભાયાત્રામાં જોડાયા હતા.​​​​​​​ ​​​​​​​

શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
​​​​​​​
ધારાસભ્ય​​​​​​​એ શોભાયાત્રા દરમિયાન વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી. જે શહેરમાં ચૌટા બજારમાં ચૌટા નાકાથી પ્રવેશી હતી અને જે હનુમાનજી ડેરીથી બજરંગ હોટલ, શાક માર્કેટ થઇ સમડી ફળીયા, ચોક્સી બજાર, ગોયાબાજર થઇ દેસાઈ ફળીયાથી પંચાતી બજારથી ભરૂચી નાકા પહોંચી હતી. જેમાં નાની મૂર્તિને કમલમ તળાવ ખાતે ઉભા કરેલા વિસર્જન કુંડ ખાતે તો મધ્યમ કદની મૂર્તિને જળકુંડ ખાતે, જ્યારે 6 ફૂટથી મોટી મૂર્તિ આર.એમ.પી.એસ. સ્કૂલ સામે સુરવાડી ફાટક ખાતે તળાવમાં ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીઆઇડીસીમાં આવેલા ઈએસઆઈસી પાસેના વિસર્જન કુંડમાં ભક્તો શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

ભારદારી વાહનો પર શહેરમાં પ્રવેશબંધી ફરમાવી
અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર આજરોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રાને લઇ ભારદારી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. શહેરમાં એન.એન.જી.સી બ્રિજથી ભારદારી વાહનો શહેરમાં આવતા અટકાવવામાં આવ્યા હતા. તો કડકિયા કોલેજ ભારદારી વાહનો પરત ઉમરવાડા ફાટક તરફ વાળવામાં આવ્યા હતા.

મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ ભક્તો સ્વાગત
અંકલેશ્વર શહેરમાં નીકળેલી શોભાયાત્રામાં શહેરના મુસ્લિમ આગેવાનો દ્વારા શ્રીજી ભક્તોનું સ્વાગત કરાયું હતું. સાથે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ગણેશ ઉત્સવમાં ભાઈચારાની લાગણી સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...