તક્ષશિલા જેવી ઘટના બનતા અટકી:અંકલેશ્વરમાં શોપિંગની લિફ્ટમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ; આગ ઉપર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં આવેલી જલધારા ચોકડી પાસે આર-10 કોર્નર નામના શોપિંગની લિફ્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે અહીંયા ત્રીજા માળે ટ્યુશન ક્લાસીસ આવેલા હોવાથી લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર ફાઈટરોએ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગ લાગતા શોપિંગમાં દોડધામ મચી ગઇ હતી
અંકલેશ્વરમાં શનિવારના રોજ બપોરના સુરતના તક્ષશિલા જેવી ઘટના બનતા અટકી હતી. જી હા અંકલેશ્વર જલધારા ચોકડી પાસે આર-10 કોર્નર શોપિંગ સેન્ટર આવેલું છે. જેમાં અનેક દુકાનો, ઓફિસો અને ટ્યુશન ક્લાસીસ પણ આવેલા છે. શનિવારના બપોરના સુમારે આ શોપિંગની લિફ્ટમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે સ્થાનિકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતાં. જોકે આગના કારણે ધૂમાડાંના ગોટા જોવા મળી રહ્યાં હતા.

આગના સમયે ત્રીજા માળે ટ્યુશનમાં બાળકો હાજર હતા
બનાવ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર DPMC ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આ શોપિંગમાં ઘણા ટ્યુશનો પણ આવેલા છે. જ્યારે આ આગ લાગી ત્યારે ત્રીજા માળે ટ્યુશનમાં બાળકો હાજર હતા. જો આગ વધુ વિકરાળ બની હોત તો આજે અંકલેશ્વરમાં સુરતની તક્ષશિલા જેવી પરિસ્થિતિ સર્જાઈ હોત. જેથી ત્રીજા માળે ટ્યુશન ક્લાસની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી છે? અથવા તો આ શોપિંગમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...