ભાસ્કર ઇમ્પેક્ટ‎:વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરાશે

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 લોકોની વસતી ધરાવતાં ગામમાં 2 હજાર લોકો ભેગા થતાં હોવાથી અરાજકતા ઃ દર વર્ષે બે લાખથી વધારે પરિક્રમાવાસીઓની હાજરી
  • દિવ્યભાસ્કરના અહેવાલ બાદ ડીડીઓ સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાતલઇલોકોનીસમસ્યાજાણવાનોપ્રયાસકર્યો

હાંસોટ તાલુકામાં 70 લોકોની વસતી ધરાવતાં વમલેશ્વર ગામમાં 2 હજારથી વધારે પરિક્રમાવાસીઓ ભેગા થઇ જતાં હોવાથી અરાજકતા ફેલાતી હોવાની વિગતો તંત્રની તપાસમાં બહાર આવી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ડીડીઓ સહીતના અધિકારીઓ સ્થળ મુલાકાત માટે પહોંચ્યાં હતાં અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી નર્મદા પરિક્રમાના 3,400 કીમીના રૂટ પર સુવિધાઓના અભાવે પરિક્રમાવાસીઓ ભારે હાલાકીનો સામનો કરતાં આવ્યાં છે. સરકાર તરફથી રોકણ અને ભોજન માટે કોઇ વ્યવસ્થા નહિ હોવાના કારણે તેઓ આશ્રમો અને મંદિરો પર નિર્ભર છે. પરિક્રમાવાસીઓને સૌથી વધારે સમસ્યા હાંસોટ તાલુકાના વમલેશ્વરમાં નડી રહી છે.

વમલેશ્વરથી પરિક્રમાવાસીઓ નાવડીમાં નર્મદા નદી પાર કરી સામે કિનારે આવેલાં મીઠી તલાઇ આશ્રમ ખાતે પહોંચતાં હોય છે. અહીંથી નર્મદા પરિક્રમાનો બીજો તબકકો શરૂ થાય છે. દિવ્યભાસ્કરમાં પરિક્રમાવાસીઓને પડતી હાલાકી અંગે અહેવાલ પ્રકાશિત થયો હતો જે બાદ ડીડીઓ પી.આર.જોષી તેમજ ટીડીઓ કલ્પના નાયરે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પરિક્રમાવાસીઓ અને ગામલોકો સાથે મળી સમસ્યાઓ સાંભળી હતી.

ઓછા પાણીના કારણે નાવડીઓના ફેરા ઓછા વાગે છે
વમલેશ્વર પાસે નર્મદા નદીના જળસ્તર ઓછા છે. નદીમાં ભરતી આવે ત્યારે જ બોટ પાણીમાં ચાલી શકે છે નહિતર બોટ રેતીમાં ફસાય જાય છે. નાવડીઓ ચલાવવા માટે ભરતીના પાણી પર આધાર રાખવો પડતો હોવાથી નાવડીઓના ફેરા ઓછા વાગે છે. પરિક્રમાવાસીઓની સરખામણીએ નાવડીઓ ઓછી હોવાના કારણે પણ વમલેશ્વરમાં તેમનો મેળાવડો જામતો હોય છે.

શૌચાલય સહિતની સુવિધાઓનો અભાવ
વમલેશ્વર ગામમાં શૌચાલય, બાથરૂમ સહિતની માળખાકીય સુવિધાઓ નહિ હોવાથી પરિક્રમાવાસીઓની હાલત કફોડી બની છે. તેમણે રોકાણની સાથે ભોજનની પણ અગવડ પડતી હોય છે. જેના કારણે પરિક્રમાવાસીઓમાં ભારે રોષ જોવા મળતો હોય છે. ખાસ કરીને મહિલા પરિક્રમાવાસીઓ એકદમ દયનીય હાલતમાં મુકાઇ જતી હોય છે. શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ચુકી છે ત્યારે પરિક્રમાવાસીઓને રહેઠાણ મળે તે પહેલી પ્રાથમિકતા રહેશે.

નદી પાર કરાવવા માટે ભાડુ વસુલવામાં આવે છે
વમલેશ્વરથી નદી પાર કરવા માટે હોડીની જરૂરીયાત રહેતી હોય છે. વમળનાથ સેવા ટ્રસ્ટ તરફથી બોટની સુવિધા ઉભી કરવામાં આવી છે પણ તેમાં ભાડુ લેવાતું હોવાની રજુઆત ડીડીઓ સમક્ષ કરવામાં આવી હતી. હજારો કીલોમીટર ચાલીને વમલેશ્વર પહોંચતાં પરિક્રમાવાસીઓ માટે કોઇ સુવિધા નહિ હોવાનું સ્નેહલ પટેલે જણાવ્યું હતું. પરિક્રમાવાસીઓ માટે વિના મુલ્યે બોટની સુવિધા ઉભી કરવા માટે પણ અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...