અંકલેશ્વર શહેર ગત રોજ ધોરણ 12 ની પરીક્ષા આપતી વિદ્યાર્થીની તબિયત બગડી હતી.જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સ્ટાફે સ્થળ ઉપર પહોંચી પરીક્ષાર્થીને સારવાર આપીને પેપર લખવા બેસાડી હતી. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા 14 મી માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે.
દરેક વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે ગતરોજ બપોરના સમયે અંકલેશ્વર ના ચાણક્ય સ્કૂલમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની આયુસી પટેલ પરીક્ષા આપવા માટે પહોંચી હતી.તે પરીક્ષા પેપર લખી રહી હતી તે સમયે તેની તબિયત બગડી હતી.જેથી બનાવ અંગે શાળા દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ પર કોલ કરતા જ 108 ના ઇએમટી ભાવેશ વસાવા અને પાઇલોટ સંજય રાઠવા સ્થળ પર પહોંચી ગયા હતાં.
તેઓએ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીનીનું સુગર લેવલ વધારે આવ્યું હોય અને તેને ગભરામણ થતી હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ ટીમે સમયનો સદુપયોગ કરીને અમદાવાદ સ્થિત 108 ની હેડ ઓફિસ પર ફીજીસીયન ડો.રામાણી ની સલાહથી વિદ્યાર્થિનીને યોગ્ય સારવાર આપી અને ફરીથી પેપર લખવા બેસાડી હતી. આ સમયે શાળાના આચાર્ય અને વિદ્યાર્થીની ના વાલી એ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખી 108ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે જે કામમાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.