અંકલેશ્વરના ગડખોલ ગામની સોનમ સોસાયટીમાં જુગાર રમતા 7 ખેલીઓને જીઆઇડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગઝડતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા 18,760 જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જુગરીઓની મહેફિલમાં રંગમાં ભંગ પાડ્યો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ રાજપીપળા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ગડખોલ ગામની હદમાં આવેલા રાજપીપલા ચોકડી નજીકની સોનમ સોસાયટીમાં જુગારની મહેફિલ જામી છે. જેના આધારે પોલીસની ટીમે મહેફિલના રંગમાં ભંગ કરતા સાત ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પર તમામ સાત જુગારીની અંગઝડતી માંથી રૂ.14,920 રૂપિયા રોકડા અને દાવ પર લાગેલા રૂ.3840 મળી કુલ રૂપિયા 18,760 ની રોકડ ઝડપી પાડી હતી.
પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી
પોલીસે જુગાર રમતા સારંગપુર મીરાનગરના ધર્મેન્દ્ર પ્રજાપતિ, સોનમ સોસાયટી ખાતે રહેતા દીપક સિંગ, સિલ્વર સોસાયટી ખાતે રહેતા ક્રીપા શંકર મંડલ, ગણેશ કોમ્લેક્ષ ખાતે રહેતા રાહુલ જાટ, મીરા નગર ખાતે રહેતા નિર્દેશ રાઠોડ, ડ્રીમસીટી જીતાલી ગામ ખાતે રહેતા ગોપાલ યાદવ અને સોનમ સોસાયટી ખાતે રહેતા કુંવરલાલ સિંગરોલાની ધરપકડ કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.