ખેડૂતોની આશા પર પાણી:કેરીના 5 કરોડના કારોબાર પર વાવાઝોડાનો કહેર

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર વિસ્તારમાં આંબાવાડીઓમાં ભારે પવનના કારણે આંબા પરનો મોર અને મરવાઓ ખરી પડયાં

ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળીના દિવસે 25 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અંકલેશ્વર વિસ્તારમાં આંબાઓ પરથી મોર ખરી જતાં વાર્ષિક સરેરાશ 5 કરોડના કેરીના કારોબાર પર અસર થવાની સંભાવના છે. બીજી તરફ કેરીનું ઉત્પાદન ઓછુ થવાને કારણે આ વર્ષે કેરીઓ મોંઘી બની જવાથી લોકોના ખિસ્સા ઉપર પણ ભારણ વધશે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉનાળામાં કેરીઓની સીઝન ચાલુ થઇ જતી હોય છે. ખાવા માટે તથા અથાણા માટેની કેરીઓ અંકલેશ્વરમાંથી મળી આવે છે. ચાલુ વર્ષે હોળીના દિવસે જ ખેડૂતોને કુદરતી આફતનો સામનો કરવો પડયો છે.

વાતાવરણમાં આવેલાં પલટાના કારણે અડધો કલાક સુધી વાવાઝોડું ફૂંકાયું હતું. 25 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે આંબાઓ પરથી મોર ખરી પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. આંબાઓ પર આવેલાં મોરને જોતાં ચાલુ સાલ કેરીનો મબલખ પાક ઉતરવાની સંભાવના હતી પણ વાવાઝોડાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.

કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે કેરીઓ મોંઘી બની જતાં લોકોના ખિસ્સા ઉપર પણ અસર જોવા મળશે. અંકલેશ્વરની વાત કરવામાં આવે તો આખી સીઝન દરમિયાન કેરીનો 5 કરોડ રૂપિયા ઉપરાંતનો કારોબાર રહે છે અને તેમાંથી 3.50 કરોડ રૂપિયા ઉપરાંતની કેરીઓની તો વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. છેલ્લા 4 થી 5 વર્ષ થી કુદરત ની આવતી આફતો થી આંબાવાડીમાં વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે જેને લઇ ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.

આંબાઓ પરથી મરવા પણ ખરી પડયાં છે
ચાલુ વર્ષે કેરીનો મબલખ પાક આવવાનો અંદાજ હતો કારણ કે આંબાઓ ઉપર મોર પુષ્કળ પ્રમાણમાં આવ્યો હતો. વાવાઝોડાના લીધે મોરની સાથે મરવાઓ પણ ખરી પડયાં છે. સીઝનની શરૂઆત થઇ નથી તેવામાં જ કુદરતનો કહેર જોવા મળ્યો છે. વાવાઝોડાથી કેરી પકવતાં ખેડૂતોને નુકશાન થયું છે. - રાહુલ વામજા -ખેડૂત -અંકલેશ્વર

કેરીના ભાવમાં વધારો થશે
ચાલુ વર્ષે કેરીની સીઝન સૌથી સારી જોવા મળી હતી. વાવાઝોડાના કારણે પાકને વ્યાપક નુકશાન સાથે ચાલુ વર્ષે કેરી ઓછી ઉતરશે. દર વર્ષે અંકલેશ્વરની કેરીની પુષ્કળ માગ રહેતી હોય છે જેની સામે ઉત્પાદનમાં ઘટાડો થવાથી કેરીઓ મોંઘી થશે. - સંદીપ પટેલ ખેડૂત - અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...