અંકલેશ્વર નગરપાલિકા આશરે 15 વર્ષ બાદ ફરી વેરો વધારો કરવા જઇ રહી છે. પહેલી એપ્રિલથી શહેરીજનોએ નવા દર પ્રમાણે વેરા ભરવા પડશે. વેરાઓમાં 50 થી 500 રૂા. જેટલો વધારો કરવા માટે જાન્યુઆરી માસમાં દરખાસ્ત કરી વાંધા અરજીઓ મંગાવાય હતી પણ વાંધા અરજીઓ બાદ હવે વેરો વધવાનું નિશ્ચિત બની ગયું છે.
પહેલી એપ્રિલથી એક લાખથી વધારે લોકોના માથે ટેક્સનું ભારણ આવી શકે છે. ગત વર્ષે સરકાર દ્વારા પ્રતિ 2 વર્ષે વેરામાં 10 % વધારો કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત પર લાગુ કરવાનો પરિપત્ર કરાયો હતો. અંકલેશ્વર નગરપાલિકાએ ભારે વિરોધ વચ્ચે 2016માં 80 રૂા. દિવાબત્તી વેરો લાગુ કર્યો હતો.
નગરપાલિકા આગામી દિવસોમાં દીવાબત્તી, સફાઇ, લાઇટ, પાણી તેમજ ગટર વેરામાં વધારો કરવા જઇ રહી છે. વેરા વધારા અંગે શહેરીજનો પાસે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. રહેણાંકમાં 270 રૂપિયા વેરો વાર્ષિક વધારો થશે તો કોમર્શિયલ માં 795 રૂપિયા વધારો થશે. જેના થી પાલિકાને વર્ષે અંદાજે 2થી 2.50 કરોડ રૂપિયાની આવક વધશે
વિપક્ષે વિરોધ કર્યો પણ વાંધા અરજી આપી નથી
અંકલેશ્વર નગરપાલિકાના સૂચિત વેરા વધારા સામે જાન્યુઆરી માસમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો પણ વેરા વધારાને અટકાવવા માટે વાંધા અરજી આપી નથી. પાલિકામાં નોંધાયેલી અંદાજે 10 હજારથી વધુ કોમર્શિયલ જ્યારે 22,700 થી વધુ રહેણાંક અને 300 અન્ય મિલકતધારોકોને વેરાનું આર્થિક ભારણ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.