અંકલેશ્વર આર.પી.એફ પોલીસે 200 મીટર રેલવે લાઇન કાપી ચોરી જનાર ગેંગને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. આ અંસાર માર્કેટના ત્રણ તસ્કરોએ કોસંબા-ઉમરપાડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલી નેરોગેજ રેલવે લાઈનના 200 મીટરના પાટા ગેસ કટર વડે કાપી ચોરી કરીને ભંગારીયાને વેચી દીધા હતાં. જેની ફરિયાદના આધારે રેલવે આરપીએફના જવાનોએ ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડીને રૂ.1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓ રેલવેના 200 મીટર પાટા કાપી ચોરી ગયા
અંકલેશ્વરમાં કોસંબા-ઉંમરપાડા સુધીની વર્ષોથી બંધ પડેલી નેરોગેજ રેલવે લાઇન આવેલી છે. આ રેલવે લાઈનના 200 મીટર લાંબા પાટાને તસ્કરો ગેસ કટરની મદદથી કાપીને ચોરી ગયા હતા. આ અંગે રેલ અધિકારીઓને જાણ થતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. જે અંગે અંકલેશ્વર આરપીએફ પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ કરાઇ સમગ્ર તપાસ આરપીએફ પોલીસ ચલાવી હતી. જેમાં આરપીએફના ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનાની જગ્યાનું નિરીક્ષણ કરીને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મળતી વિગતથી તપાસ શરુ કરી હતી.
RPF પોલીસને આરોપીઓ અંગે માહિતી મળી હતી
અંકલેશ્વર આર.પી.એફ.પીની એક ટીમને માહિતી મળી હતી કે, અંકલેશ્વર અંસાર માર્કેટ વિસ્તારમાં રેલવે પાટાની ચોરીના ઈસમો હાજર છે. આ માહિતીના આધારે આરપીએફ પોલીસે અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાછળ રહેતા મોહંમદ અલાઉદ્દીન જલિલ કુરેશી, ગોસાય મસ્જિદ પાછળ રહેતા અમન સફિક મોહમદ કુરેશી, મદીના મસ્જિદ પાછળ રહેતા ફિરદોસ અલી મોહમ્મદ અલી ચૌધરીને ઝડપી પાડ્યા હતા. તેમણે પોલીસ મથક લાવીને કડક રીતે પૂછતાછ કરતાં ત્રણેય ભાગી પડતા ગુનાની કબૂલાત કરી હતી. જે બાદ ચોરીનો મુદ્દામાલ ક્યાં છુપાવ્યો હોવાનું પૂછતા તેમણે આ પાટાને અંસાર માર્કેટના લાલા ભંગારીયાને વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે રેલવે પોલીસે લાલા ભંગારીયાના ગોડાઉન પર છાપો મારી 200 મીટર પાટા, ગેસ કટર તેમજ અન્ય રેલવેનો ભંગાર મળી કુલ રૂ.1,60,625નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લાલા ભંગારીયા સહિત ત્રણ ઇસમોને વૉન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.