ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઇડીસીમાં આવેલી અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં લાગેલી આગ બાદ નજીકમાં આવેલાં સંજાલી ગામમાં લોકોને ગેસની અસર થતાં તેઓ જીવ બચાવવા માટે ગામ છોડીને હાઇવે પર દોડી આવ્યાં હતાં. પ્રાથમિક વિગતો અનુસાર કંપનીમાં આગની ઘટના બાદ તે જ કંપનીમાંથી કલોરીન ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. 108ની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 20 જેટલા દર્દીઓ મળી આવ્યાં છે અને તેમનું ઓકિસજન લેવલ ઓછું હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી દવાખાનાઓમાં ખસેડવામાં આવી રહયાં છે.
અક્ષરનિધિ ફાર્મામાં બુધવારના રોજ બપોરના સમયે રો-મટેરીયલના બલ્ક ડ્રગ અને ઇન્ટરમિડિયેટનું ઉત્પાદન પ્લાન્ટમાં ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર આંશિક કાબૂ આવ્યો હતો.
રાત્રિના 10 વાગ્યાના અરસામાં સ્થિતિ વણસી જતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. અંકલેશ્વરના એસડીએમ, મામલતદાર સહીતના અધિકારીઓ સંજાલી દોડી ગયાં હતાં અને 108ની 8 જેટલી એમ્બયુલન્સ રવાન કરી દેવામાં આવી હતી. 108ની ટીમના સભ્યએ જણાવ્યું હતું કે, 20 જેટલા લોકોનું ઓકિસજન લેવલ ઓછુ જણાયું છે. જેના કારણે તેમને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ તથા અન્ય દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યાં છે. હજી પણ અસરગ્રસ્ત લોકો હોવાથી કામગીરી ચાલી રહી છે.
રાત્રે લોકો સલામત સ્થળોએ ભાગ્યાં
સંજાલી ગામમાં રાત્રે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને તેઓ જીવ બચાવવા માટે ગામની બહાર ભાગવા લાગ્યાં હતાં. લોકો હાઇવે પર આવેલી હોટલો તથા ધાબાઓ પર દોડી ગયાં હતાં. સંજાલી ગામમાં આશરે 20 હજારથી વધારે લોકો વસવાટ કરે છે.
મેજર કોલ જાહેર કરી એલર્ટની સૂચના છે
અમારી ટીમો ગામમાં હાજર છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. વધુ અસર ન થાય તે માટે મેજર કોલ જાહેર કરી આસપાસના અન્ય ગામોના લોકોને એલર્ટ રહેવા માટે સુચના આપી છે. > તુષાર સુમેરા, કલેકટર, ભરૂચ
પવન સંજાલી તરફ હોવાથી અસર વર્તાઇ છે
શિયાળાના કારણે ધુમાડા નીચેના વાતાવરણમાં હોવાથી તેમજ પવનની દિશા સંજાલી ગામ તરફ હોવાથી ત્યાં લોકોને શ્વાસમાં તકલીફ તથા ઉલટીઓ થઇ રહી છે. અમારી ટીમ આગના સ્થળે હાજર છે. > મનોજ કોટડીયા, અધિકારી, ડીપીએમસી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.