અંકલેશ્વરના એક ગામની યુવતીને અવાર-નવાર આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય પરિવારે 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને મદદ માંગી હતી. જેના આધારે 181 ની ટીમે સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સિલિંગ કરીને મનોવ્યથા બહાર લાવવામાં સફળતા મેળવી હતી.
સાસરીમાં અને પિયરમાં પણ વિચારોમાં ખોવાયેલી રહેતી હતી
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી પરણીતા તેની સાસરીમાં સારી રીતે રહેતા હતાં. પરંતુ તેઓ કોઈપણ કારણ વગર વિચારોમાં ખોવાયેલા રહેતા હતા. સાસરીમાં કોઈપણ કામ કરવામાં પણ ધ્યાન ન રહેતું હતું. આ બાબતના કારણે સાસરીમાં પણ તેમને બોલાચાલી થતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી આ મહિલાને આરામ અર્થે તેના પિયરમાં મોકલી આપી હતી.
પરિવારે 181 માં કોલ કરીને મહિલા માટે મદદ માગી
જોકે પિયરમાં પણ તે નજીવી બાબતોમાં આવેશમાં આવીને બોલાચાલી કરતા હતાં. જેથી પરિવારજનોની તેના વિશે ચિંતા વધી ગઈ હતી. તેને એકલી પણ નહીં મુકવાની ચિંતામાં તેમણે 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને મદદની માંગ કરી હતી. 181 ની ટીમને કોલ મળતા જ રેસ્ક્યું વાન સાથે સ્થળ પર પહોંચી મહિલા સાથે આત્મીયતાથી વાતચીત દ્વારા તેઓને કોઈ મુશ્કેલી હોય તે જાણવાનો પ્રયત્ન કરેલો જેમાં તેઓને કોઈ કામ બતાવે, ખલેલ કરે કે બોલાવે તો ઉશ્કેરાઈ જાય છે. તેઓને મનગમતી પ્રવૃતિ કરવા, ગીત સાંભળવા, પ્રાર્થના, યોગ વગેરે કરવા સંમત કર્યાં હતાં. જીવન અમૂલ્ય છે, તેને રચનાત્મક પ્રવૃતિમાં વાળવાથી આનંદ મળી શકે અને સુખી દામ્પત્ય જીવન જીવી શકાય છે. વધુમાં પરિવારને તેની સાથે લાગણી રાખવા અને મનોચિકિત્સકની મદદ લેવા સુચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.