ભેખડનું ધોવાણ:અંકલેશ્વરમાં 32 વર્ષમાં 1800 એકર જમીન નદીમાં ગરકાવ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં બોરભાઠા પાસે ભેખડનું ધોવાણ : પ્રોટેક્શન વોલની અધૂરી કામગીરીએ ખેડૂતોને ડૂબાડ્યાં

અંકલેશ્વર ના બોરભાઠા ગામ નર્મદા નદી માં ગરક થવાનું સંકટ ઊભું થયું છે. ગામના કિનારે પૂરના પાણી ધસી પડ્યો હતો. ગામ માંડ 50 ફૂટ ના અંતર પર રહ્યું : ગામના માર્ગ નજીક હોવાથી લોકોની ચિંતા વધારી હતી. જો ધોવાણ થાય તો સરફુદ્દીન ગામ તરફ નો માર્ગ વ્યવહાર બંધ થઇ શકે છે. છેલ્લા 32 વર્ષ થી ગ્રામજનો રજૂઆત છતાં કામગીરી ના થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.

અમરકંટકથી નીકળી કંટીયાજાળ નજીક અરબી સમુદ્રને મળતી નર્મદા નદી સર્પાકારે વહે છે. છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા નદી ભરૂચનો કાંઠો છોડી અંકલેશ્વર તરફ વહી રહયાં હોવાથી અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારોની જમીન નદીના પાણીમાં ગરકાવ થઇ રહી છે. છેલ્લા 32 વર્ષ માં નર્મદા નદી અંકલેશ્વર તરફ દોઢ કિમી અંદર આવી ગઈ છે. જેના લીધે ગોલ્ડનબ્રિજથી ધંતુરીયા ગામ સુધી ના 25 કિમી પટમાં 500 થી વધુ ખેડૂતોની 1,500થી 1,800 એકર જમીન નદીના પાણીમાં ગરકાવ થઇ ચુકી છે.

અંકલેશ્વર તરફના કાંઠા પણ ખેતીલાયક જમીનોનું ધોવાણ રોકવા માટે નદી કિનારે પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે તે સમયે અધિકારીઓ તથા પદાધિકારીઓએ તેનો ખુબ જશ ખાટ્યો હતો. અમુક સ્થળોએ હજી પ્રોટેકશન વોલ બની જ નથી. તેનાથી જુના બોરભાઠા ,બોરભાઠા બેટ અને સરફુદ્દીન ગામના અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.

1976 ની રેલ માં પ્રથમ વખત અંકલેશ્વર તરફ નદીના પાણીએ જમીનોના ધોવાણની શરૂઆત કરી હતી. પણ એક વર્ષ બાદ ધોવાણ અટકી જતાં ખેડુતોને રાહત થઇ હતી. નર્મદા નદી પર ડેમ બન્યાં બાદ અને નર્મદા નદીના બદલાયેલા પ્રવાહના કારણે ગોલ્ડન બ્રિજ થી ધંતુરીયા ગામ સુધી ના નર્મદા કિનારે ખેતીલાયક જમીનનું ધોવાણ થઇ રહયું છે. 1990ની સાલથી ખેડુતો તેમની ખેતીલાયક જમીનો ગુમાવી રહયાં છે.

મહામૂલી જમીન ગુમાવનાર ખેડૂતો હવે ઘર ગુમાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે પુરમાં બોરભાઠા સ્મશાન ગૃહ પાસે જમીન તથા ગેબિયન વોલ નો પારો ધોવાઈ જતાં બોરભાઠા ગામના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયાં છે. નર્મદા નદીની સપાટીમાં વધારો થતાંની સાથે કાંઠા વિસ્તારના ગામોના લોકોના માથે સંકંટ ઉભુ થયું છે. બોરભાઠાથી માંડ 50 ફુટના અંતરે આવેલી ભેખડ નદીના પાણીથી તુટી પડી છે. આગામી દિવસોમાં બોરભાઠાથી સરફુદ્દીન ગામને જોડતો રસ્તો પણ ધોવાઇ જાય તેવી સંભાવના છે. ભાડભુત રીવર કમ બેરેજમાં પારો ઉભો કરવાની યોજના આજે 3 વર્ષે પણ કાગળમાં જ છે. તંત્ર દ્વારા હાલ મેટલ પેચ વર્ક કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી રહ્યા છે.

  • 1.5 કિમી સુધી નર્મદા નીર અંકલેશ્વર તરફ વળ્યાં
  • 500 થી વધુ ખેડુતો જમીન ગુમાવી
  • 1800 એકરથી વધારે જમીન પાણીમાં ગરકાવ
  • 09 થી વધારે ગામોમાં ધોવાણની સમસ્યા
  • 44 કરોડ રૂપિયાની પ્રોટેક્શન વોલની યોજના
  • 2014 થી વોલ બનાવવાની કામગીરી પર બ્રેક

ગેબિયન વોલ પણ પૂરના પાણીમાં ટકી નથી
બોરભાઠા ગામ પાસે સ્મશાનગૃહ પાસે 2013માં પથ્થરો નાખી ગેબિયન વોલ ઉભી કરી હતી જેથી ગામ બચી શકે પણ હવે ગત વર્ષે ગેબીયન વોલ પણ તુટી ગઇ છે. હાલમાં નદીની સપાટીમાં વધારો થતાં ગામના કિનારે ભેખડ નું ધોવાણ થયું છે. અહીં મેટલ પેચ વર્ક કરી અમારા ગામ ને બચાવી લે તેવી અમારી માંગ છે. > ધનેશ આહીર, અગ્રણી બોરભાઠા બેટ ગામ.

સરકારે અમને માત્ર દીવા સ્વપ્નો જ બતાવ્યાં
2012-13 માં સરફુદ્દીન ગામ નો રસ્તો પણ ધોવાઈ ગયો હતો જેને લઇ મારા ખેતર માંથી જમીન આપી રસ્તો આપ્યો છે. સરફુદ્દીન થી ગોલ્ડન બ્રિજ સુધી પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી શરૂ થઇ હતી પણ માત્ર 9 મહીનામાં કામગીરી ઠપ પડી ગઈ હતી અને ધોવાણ સતત ચાલી રહ્યું છે. ભાડભુત બેરેજ યોજનામાં પણ કોઇ કામગીરી થઇ નથી. > કયુમન કેલાવાલા, ખેડૂત બોરભાઠા બેટ.

પ્રોટેક્શન વોલ બનાવવી ખૂબ જરૂરી છે
નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડા પર ખેતીલાયક જમીન નદીના પાણીમાં ગરકાવ થઇ રહી છે. નદીના પાણીથી જમીનનું ધોવાણ રોકવા માટે તત્કાલીન કલેકટર અવંતિકા સિંગના સમયે પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી પણ થોડા સમય કામગીરી ચાલ્યાં બાદ વર્ષોથી તે બંધ જ છે.

અન્ય સમાચારો પણ છે...