અંકલેશ્વરના આવેલ જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં મારુતિ કોમ્પલેકસમાં નિલેશ સોની પદ્મનાભ જવેલર્સની દુકાન ધરાવે છે.ગત 20 મી ફેબ્રુઆરીના રોજ તેમને ત્યાં મહેશ નામનો ઈસમ સોનાના 5 પેન્ડલ લઇને આવ્યો હતો. નિલેશ સોનીએ પેન્ડલ ચેક કરતાં તે અસલી સોનાના પેન્ડલ હતાં. આ પેન્ડલના બદલામાં મહેશે 40 હજાર રૂપિયા રોકડા 3 દિવસમાં પરત કરવાના વાયદે લીધાં હતાં.ત્રણ દિવસ બાદ તેઓ પરત 40 હજાર રૂપિયા રોકડા આપી પેન્ડલ લઇ ગયો હતો.
ગતરોજ 5 મી માર્ચ ના રોજ પુનઃ મહેશ અન્ય એક વ્યકતિ સાથે નિલેશભાઇની દુકાને આવ્યો હતો. ઘરમાં લગ્ન પ્રસંગ હોય રૂપિયા ની જરૂરિયાત છે. તેમ કહી દાગીના વેચવા છે અને તેના બદલામાં અન્ય દાગીના લેવા છે તેમ જણાવ્યું હતું. દુકાને આવેલાં બંને ભેજાબાજોએ પ્રથમ વખત જે પેન્ડલ ચેક કર્યા હતા તે બતાવી તેના જંગ્યા એ નકલી સોનાના પેન્ડલ પધરાવી દીધાં હતાં.
સોનાના નકલી પેન્ડલના બદલામાં 68 હજાર રૂપિયાના ચાંદીના દાગીના અને 96 હજાર રૂપિયા રોકડા લઇ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. મહેશ અને તેના સાગરિતે આપેલાં દાગીના ચેક કરાવવામાં આવતાં તે નકલી નીકળતાં જવેલર્સના પગ તળેથી ધરતી સરી ગઇ હતી. તેમણે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ આપતા પોલીસે મહેશ અને તેની સાથે આવેલ અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. અને દુકાન માં રહેલા સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.