આમોદ તાલુકાના પુરસા ગામમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નહિ હોવાથી ગામમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નહિ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.
પુરસા ગામની વસતી 2,500 માણસોની છે પણ હાલ ગામમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગામના મોટાભાગના રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળેલા જોવા મળે છે. ગંદા પાણીના નિકાલ માટે 3 થી 4 વર્ષ પહેલાં ગટરલાઇન નાખવામાં આવી હતી પણ પાણીનો નિકાલ કયાં કરવો તેના આયોજન સિવાય ગટરો બનાવી દેવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું.
આખા ગામના ગંદા પાણીનો નિકાલ તળાવમાં કરવામાં આવી રહયો છે. તળાવના પાણી ગંદા બની જતાં મહિલાઓ ગંદા પાણીથી કપડા અને વાસણો ધોઇ રહી છે અને પશુઓ પણ ગંદકીવાળુ પાણી પી રહયાં છે. રસ્તાઓ પર ગંદકી હોવાથી મંદિરે થતા મસ્જિદે જતાં લોકોની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે.
ગ્રામ પંચાયત કોઇ કામગીરી કરતી નથી
ગટરના પાણીનો તળાવમાં નિકાલ કરવામાં આવી રહયો છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. સફાઇ કરાવવા બાબતે પંચાયતમાં રજૂઆત કરી છે પણ કોઇ પગલાં ભરાતાં નથી. મચ્છરોના ઉપદ્રવના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. પુરસા તો ઠીક આજુબાજુના લોકો પણ ગામમાં કચરો નાંખી જાય છે. > અક્ષય પંચાલ, સ્થાનિક
પંચાયત કહે છે કે વેરા ભરો પછી કામ થશે
પુરસા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે. ગ્રામ પંચાયત કહે છે કે પહેલાં વેરા ભરો પછી જ સફાઇ કરવામાં આવશે. વેરા ઉઘરાવવાનું કામ પંચાયતનું છે અમારૂ નથી. ચૂંટણી પત્યા પછી દોઢ મહિનાથી અમે રજૂઆતો કરી રહયાં છે પણ કોઇ કાર્યવાહી કરાતી નથી. > ઇકબાલ સૈયદ, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.