વાવ ઢીમા રોડ પર ઢીમા નજીક પીકઅપ જીપ ડાલાના ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઈક ચાલક શિક્ષકનું કરુંણ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પુત્રીને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જીપડાલા ચાલક ગાડી લઈને નાસી ગયો હતો.
ઢીમા પ્રા.પે.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા વાવના ગંભીરપૂરા ગામના વતની પ્રવીણભાઈ માંનાભાઈ માળી અને તેમની પુત્રી વંદનાબેન માળી બાઈક પર મંગળવારના બાર વાગ્યાની આસપાસ ઢીમા ગામેથી ગંભીરપૂરા પોતાના ધર તરફ આવતા હતા.
ત્યારે વાવ ઢીમા રોડ પર ઢીમા નજીક આવેલા સાંગાસરા તળાવ સામે વાવ તરફથી ઢીમા તરફ જતા પિકઅપ ડાલાના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક પ્રવીણભાઈ માળી અને તેમની પુત્રી રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી.
જેને લઇ તેમને થરાદ ખાતે સરકારી દવાખાને લઈ જતા પ્રવીણભાઈ માળી( ઉ.વર્ષ આશરે 35)નું મોત નીપજ્યું હતું. જેને લઇ આખા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. તેમની પુત્રી વંદનાબેન માળી (ઉ વર્ષ આશરે ૧૩)ને ઈજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.