વડગામ તાલુકા પંચાયતમાં કોટડી ગામના અરજદારે સ્મશાનના દબાણો દૂર ના કરતા ટીડીઓની રૂબરુમાં ગુરુવારે ઝેરી દવા પી લઈ આત્મવિલોપન કરવાની કોશીષ કરી હતી. જેને લઇ તાલુકા પંચાયત કચેરીમાં અફરા તફરી મચી જવા પામી હતી. જ્યારે હાજર લોકોએ સમગ્ર મામલો થાળે પાડયો હતો.
વડગામ તાલુકાના કોટડી ગામના અરજદાર શંકરભાઈ કિશનભાઈ નાઈ દ્વારા કોટડી ગામે સ્મશાન ઉપરના દબાણો દૂર કરવા માટે 30 જુલાઈ-2021 થી તેમણે વારંવાર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને ડીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી હતી. પણ આજદિન સુધી તેમને હજુ આ અંગે ન્યાય મળ્યો નથી.
જવાબદાર અધિકારીઓ તેમને વારંવાર વિવિધ જવાબો આપી ફેરવી રહ્યા હતા. અને તાલુકા પંચાયત ખાતે અવાર નવાર તેઓ આવી લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી હતી. પણ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કોઈ તટસ્થ કામગીરી ના કરાતાં આખરે અરજદાર દ્વારા ગુરુવારે તાલુકા પંચાયતના ટીડીઓ સહિત સ્ટાફની હાજરીમાં આત્મવિલોપનની કોશિષ કરી હતી. જેથી તાલુકા પંચાયતમાં અફડા તફડી મચી હતી. અને લોકો ઉમટયા હતા. ત્યારે હાજર લોકોએ સમગ્ર મામલો થાળે પાડયો હતો.
આ અંગે વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ ભૌમિકભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે, અરજદાર સીધે સીધા ઑફિસમાં આવી ગયા હતા અને ખોટી રીતે આત્મવિલોપન માટેનો પ્રયાસ કર્યો હતો. દબાણ અંગે તલાટી જોડે અહેવાલ મંગાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.