થરાદના હાથાવાડા ગામની સીમમાં સરકારી જમીનમાં દબાણ કરીને તેમાં ધમધમતું કતલખાનું બંધ કરાવવાની અને દબાણ ખુલ્લા કરવાની ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર સ્વરૂપે પ્રાંત અને પોલીસ કચેરીમાં ગુરુવારે આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી હતી. આથી શુક્રવારે ગામના મુસ્લિમ સમાજના લોકોએ પણ શુક્રવારે થરાદ પ્રાંતમાં આવેદનપત્ર આપી ગામમાં કોઇ કતલખાનાં ચાલતાં નથી અને હિન્દુ - મુસ્લિમ વિવાદ કરવાનો અસામાજીક તત્વોનો પ્રયાસ ગણાવ્યો હતો.
શુક્રવારે થરાદ દોડી આવી નાયબ કલેક્ટર કચેરીમાં હાથાવાડા ગામે રહેતા મુસ્લિમ સમાજના લોકો સામે અસામાજિક તત્વો દ્વારા હિન્દુ- મુસ્લિમ વિવાદ કરાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ ધર્મના આગેવાનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્ટેટ વખતથી મુસ્લિમ સમાજના લોકો વર્ષોથી તમામ ધર્મને માન આપી બાપ-દાદા અને વડવાઓથી હિન્દુ - મુસ્લિમ ભાઈચારાથી જીવન જીવીએ છીએ. ખેતીની જમીનો આવેલી છે ખેતી તેમનો મુખ્ય ધંધો હોઇ ખેતીનો ધંધો કરીને જીવન નિર્વાહ ચલાવીએ છીએ.
તેમના સમાજના લોકોએ કોઈપણ જાતના કોઈ ધર્મનું અપમાન કરેલ નથી. ગામમાં કોઇ કતલાખાનાં ચાલતાં નથી અને ગાયને અમો અમારી માતા માનીએ છીએ. અને અન્ય કોઈ કતલખાના કે ગૌમાંસ અંગેની કોઈ પ્રવૃત્તિ ચલાવતા નથી. આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવવી તેમના ધર્મ અને બંધારણના વિરુદ્ધ છે. ડે.સરપંચે જણાવ્યું હતું કે અશાંતિ ન ડહોળાય તે બાબતે અમે રજુઆત કરી છે. અમે એકબીજાંના પ્રસંગોમાં પણ જતા હોઇએ છીએ. છતાં કેટલાક ગામના અસામાજિક તત્વો તેમના ધર્મ વિરુદ્ધ હિન્દુ -મુસ્લિમ કરી ઉશ્કેરણીજનક આક્ષેપો કરી મુસ્લિમ સમાજ વિરોધ ઝેર આંકી રહ્યા છે.તેમના સમાજના ધર્મના નામે આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી.દરેક ધર્મને સૌના રીત રિવાજ મુજબ જીવન જીવવાનો અધિકાર હોય છે. હાથાવાડા ગામનો મુસ્લિમ સમાજ ખેતી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.