હડતાળ:થરાદમાં પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઈટ, સફાઈ સહિતની કામગીરી બંધ કરાશે

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કર્મીઓએ છ દિવસની રણનીતિ બનાવી હડતાળ પર ઉતર્યા

થરાદ નગરપાલિકાના કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓને લઈને શનિવારથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે નગરપાલિકાની વિવિધ સેવાઓ પણ ખોરંભે પડવા પામી હતી. જેની વચ્ચે કર્મચારીઓ દ્વારા આગામી કાર્યક્રમોની રણનીતિ બનાવીને આકરા તેવર વ્યક્ત કરવામાં આવ્યા હતા. જેની સીધી અસર નગરજનો પર પડી શકે તેમ છે.

ગત 20 સપ્ટેમ્બરના રોજ કમિશનર દ્વારા બોલાવવામાં આવેલ મિટિંગમાં વિસ્તારપૂર્વક ચર્ચાઓ બાદ તેમની રજુઆતોનો સિદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યા છતાં પણ 24 દિવસ જેટલો સમય વ્યતીત થવા છતાં કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવતાં મહામંડળ દ્વારા ન્યાય માટે શનિવારથી કામગીરી તથા આવશ્યક સેવાઓ સ્થગિત કરવાનો કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને શનિવારે થરાદ નગરપાલિકા કચેરીના તમામ વિભાગના કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતાં લોકોનાં તમામ કામો સ્થગિત થવા પામ્યા હતા.

જેના કારણે નગરજનોને વિવિધ પ્રકારની હાલાકીઓ ભોગવી પડી હતી. આ અંગે થરાદ નગરપાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર હિરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘15 અને 17 ઓક્ટોબરના રોજ કચેરીમાં તમામ વહીવટી કામગીરી બંધ કરીને પેનડાઊન કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે મંગળવારથી શહેરમાં પાણી પુરવઠો અને બુધવારે શહેરમાં સ્ટ્રીટ લાઈટ જ્યારે ગુરુવારે સફાઈને અનુસાંગીક તમામ કામગીરી બંધ કરવાની રણનીતિ પણ અમલમાં મુકવામાં આવનાર છે.

જ્યારે શુક્રવારથી આવશ્યક સેવાઓને લગતી તમામ કામગીરી પણ બંધ કરી દેવામાં આવશે.’ આમ, નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સામી દિવાળીએ પોતાની પડતર માંગણીઓને લઈને જંગ છેડી દેવામાં આવતાં નગરજનો ઉપર પણ તેની વ્યાપક અસર પડવાની શરૂઆત થવા પામી છે. શનિવારે જ નગરપાલિકામાંથી જન્મ, મરણના દાખલા, વેરા અને ગુમાસ્તાધારાને લગતી કામગીરી ન થઇ શકતાં લોકોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...