થરાદ માર્કેટયાર્ડમાંથી મુંબઈના વેપારીએ ખરીદેલ 46,47,323 રૂપિયાનું જીરું ગાંધીધામના ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલકે બરોબારીયું કરી છેતરપીંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિવિધ માર્કેટયાર્ડમાંથી મસાલાની ખરીદી કરીને નિકાસ કરતા મુંબઈ રહેતા (અને મુળ ભડારીયા તા.ભાવનગર)ના વેપારી વિરેન શાહે મહેતા દ્વારા થરાદ માર્કેટયાર્ડમાંથી તા.01/12 થી 08/12 સુધી રોકાઇને 46,47,323 રૂપિયાની 364 બોરી જીરુંની ખરીદી કરી હતી. તેમજ જય શીયારામ ટ્રાન્સપોર્ટના માલિક સુરેશભાઇ બી રબારીનો સંપર્ક કરી તેમની જીજે 12 એયુ 5992 નંબરની ટ્રક દ્વારા મુન્દ્રા પહોંચાડવા ટ્રક તા.10/12/2022ની રાત્રે રવાના કરી હતી. જો કે તે મોડી રાત્રિ સુધી નહી પહોંચતાં ટ્રક ચાલક ભુરાભાઇ રણછોડભાઇ ઢીલા રહે.માધાપર (ભુજ) દ્વારા ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું.
અને જીરું ભરેલ ટ્રક મુંદ્રા ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટ માલિકને વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જ જવાબ ન આપતા વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું.તેમજ તેમના લાગતા વળગતાઓ પાસેથી આ ટ્રકચાલક અગાઉ પણ અનાજ ભરીને છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
આથી વેપારી વિરેનભાઇ ભરતભાઇ શાહએ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી.વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગાંધીધામના ટ્રાન્સપોર્ટ માલિક સુરેશ રબારી અને ટ્રક ચાલક ભુરાભાઈ ઢીલા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે માર્કેટયાર્ડબેડામાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.