થરાદ, વાવ અને સુઇગામ પંથકમાં હોળીના દહન સાથે આગામી વર્ષ અને વરસાદનો વરતારો જોવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. નગરમાં વર્ષોથી હોળીની ધ્વજાઓના આધારે વરતારો જોતા અનુભવીઓએ જણાવ્યું હતું કે, સફેદ અને લાલ ઘ્વજા યોગ્ય દિશામાં પડતાં વરસ અને વરસાદ સારું આવવાના સંકેત મળ્યાછે.
સરહદી થરાદ પંથકમાં વર્ષોથી હોળીનાં છાણાં પર ગોઠવેલી ધ્વજાના અને જમીનમાં દાટેલા માટીના પાણી ભરેલા ચાર કુંભ (મહિનાને આધારે) વરસ અને વરસાદનો વરતારો જોવાની પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. થરાદ શહેરના ચાચર ચોકમાં દર વર્ષે આવી રીતે વરતારો જોતા જગદીશભાઇ ઓઝા સહિત અનુભવીઓએ જણાવ્યું હતુંકે, સફેદ વરસાદ અને લાલ ધ્વજા વરસનું પ્રતિક તરીકે ગણવામાં આવે છે. જે પુર્વ અને પશ્ચિમ દિશા વચ્ચે અથવા તો ધ્રુવ ખુણામાં પડેતો એકંદરે સારા વરતારાની નિશાની ગણવામાં આવે છે.
તે પ્રમાણે જ ઉત્તર દિશામાં પડતાં ખેડુતો અને વેપારી વર્ગમાં પણ આનંદની લાગણી ફેલાવા પામી હતી. મગ,ચોળા વગેરે કઠોળ તથા ગવાર માટે સારું રહેશે. તેમણે જણાવ્યું હતું કે થરાદ પંથકમાં આવનારુ વર્ષ બારઆની રહેવાનાં એંધાણ મળ્યાં છે. જ્યારે સવારમાં જમીનમાં દાટેલા કુંભ તપાસતાં તે ભિંજાયાના આધારે કયા મહિનામાં વરસાદ સારો પડશે તેનો વરતારો જોતાં અષાઢ,શ્રાવણ અને ભાદરવામાં શ્રીકાર વર્ષા થશે. જ્યારે આસો માપે માપે (મધ્યમ) વરસે તેમ કહેવાય છે.
મોટાભાગના ગામડાંની સાથે સાથે થરાદ નગરમાં અનેક વિસ્તારોમાં માવઠા પછી હોળી પ્રક્ટાવી હતી. નવદંપતિઓ તથા જન્મેલાં બાળકો અને આમ પ્રજાજનોએ તેની ફરતે પ્રદક્ષિણાઓ કરી હતી. તેમજ હોળી માતાને ધાણી,ખજુર અને શ્રીફળ સહિત હોમી પરિવારની મંગલ કામનાઓની પ્રાર્થના પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.